Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બજારમાં તીવ્ર તેજી : ૩૨૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો

સેંસેક્સ વધુ રીક્વર થઇને ૩૩૩૨૨ની સપાટીએ : નિફ્ટીમાં ૯૮ પોઇન્ટનો શરૂઆતમાં જ ઉછાળો નોંધાયો

મુંબઇ,તા. ૨૧ : શેરબજારમાં આજે કારોબારની શરૂઆત થયા બાદ તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૨૨ પોઇન્ટ રિક્વર થઇને ૩૩૩૨૨ની ઉંચી સપાટી પર હતો. આવી જ રીતે નિફ્ટી ૯૮ પોઇન્ટ ઉછળીને ૧૦૨૨૩ન ઉંચી સપાટી પર હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બેકિંગ શેરમાં તેજી રહી હતી. અમેરિકી જાઉ જોન્સમાં પણ ઉછાળો રહ્યો હતો. ગઇકાલેે કારોબારના અંતે સેંસેક્સ ૭૪ પોઇન્ટ રિકવર થઇને ૩૨૯૯૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૧૨૪ની સપાટીએ રહ્યો હતો તેમાં ૩૦ પોઇન્ટની રિકવરી થઇ હતી. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો.  એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. બજાર સાથે જોડાયેલા લોકો સંસદમાં ઘટનાક્રમ ઉપર પણ નજર રાખી રહ્યા છે. મોટા રાજકીય ઘટનાક્રમના ભાગરુપે ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં ટીડીપી અને જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં વાયએસઆર કોંગ્રેસે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવા તૈયારી કરી છે. આના લીધે રોકાણકારો સાવચેત બનેલા છે.  શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારીઓ હાલમાં મુડીરોકાણ કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે રોકાણને લઇને કારોબારી સાવધાન રહેવા માંગે છે. હાલમાં બેકિંગ ક્ષેત્રોમાં મોટો ઘટાડો થઇ ચુક્યો છે. ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શેરબજારમાં સતત પ્રવાહી સ્થિતી હાલમાં જોવા મળી રહી છે. આવી સ્થિતીના કારણે કારોબારી વધારે જોખમ લેવા માટે હાલમાં તૈયાર નથી. પૈસા ડુબી જવાનો ભય રહેલો છે.

(12:16 pm IST)