Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજ બબ્બરનું રાજીનામુઃ સ્ટાર પ્રચારક તરીકે કામ કરશે

બ્રાહ્મણ નેતા ઉપર કોંગ્રેસ દાવ લગાવે તેવી સંભાવનાઃ કોંગ્રેસના ભૂંડા પરાજય પછી નવો સળવળાટ

નવી દિલ્હી : સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેતા રાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે તે સ્વિકાર્યુ કે કેમ તે હજી બહાર આવેલ નથી.

 

પક્ષના વર્તુળો કહે છે કે ર મહિનાથી રાજ બબ્બર પ્રમુખપદેથી રાજીનામું આપવા માગતા હતાં. તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં રહેવા માગે છે જેથી દેશભરમાં ફરીને પક્ષ માટે પ્રચાર કરી શકે.

એવું બહાર આવ્યું છે કે પાર્ટી હાઇકમાન્ડે પણ તેમના પ્રસ્તાવને સહમતી આપવા તરફ આગળ વધી રહેલ છે. પરંતુ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણુંક સુધી રાજ બબ્બર ચાલુ રહે તેવો નિર્ણય લીધો છે.

કોંગ્રેસના વર્તુળો દ્રઢતાથી કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદ ઉપર કોઇ બ્રાહ્મણ નેતા મુકવાનો દાવ રાહુલ ગાંધી અને ટીમ લગાવી શકે છે.

યુપીના પૂર્વ સાંસદ રાજેશ મિશ્ર અને રાજયસભાના કોંગી સભ્ય પ્રમોદ તિવારીના નામો ઉપર આંતરિક ચર્ચા  ચાલી રહ્યાનું જાણવા મળે છે. જો કે સત્તાવાર હજુ કંઇ બહાર નથી આવ્યું.

જોકે રાજીનામું આપવા માટે કોઈ ચોક્કસ કારણ રાજ બબ્બરે જણાવ્યું ન હતું. રાજ બબ્બરે કહ્યું હતું કે, મને એક વિશેષ કામ આપીને અહીં મોકલવામાં આવ્યો હતો. હું જેટલું કામ કરી શકતો હતો એટલું કર્યું. કેટલાક સારા થયા તો કેટલાક નરસા. હું આ બાબતે કંઈ જ કહેવા માંગતો નથી. નેતૃત્વ તેની નોંધ લેશે.  ૨૦૧૯ને ધ્યાનમાં રાખી તમામની ભૂમિકા બદલાવવી જોઈએ.

રાજ બબ્બરે કહ્યું હતું કે, કોંગ્રેસ અધિવેશન બાદ બધા મને કહેતા હતાં કે ૨૦૧૯ને ધ્યાનમાં રાખતા તમામની ભૂમિકા બદલાવવી જોઈએ. કોની શું ભૂમિકા રહેશે તે નેતૃત્વ નક્કી કરવાનું રહેશે.(૨૧.૯)

(11:02 am IST)