Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સંસદનું સત્ર આટોપી લેવા હિલચાલઃ અનેક જાતના ભયથી થથરાટ

અવિશ્વાસ પ્રસ્તાવ, અણ્ણા હઝારેનું આંદોલન, સાથી પક્ષોના વિરોધ સહિતની અનેક વિટંબણાથી ભાજપ સરકાર હલબલી ગઇ?

નવી દિલ્હી તા. ૨૧ : સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો હંગામાનો ભોગ બની ગયો છે. વિપક્ષ તરફથી સતત થઈ રહેલા હંગામા વચ્ચે એવા સમાચાર છે કે સરકાર આવતા શુક્રવારે જ સંસદ સત્રની સમાપ્તિની ઘોષણા કરી શકે છે. આમ તો આ સત્ર ૬ એપ્રિલ સુધી ચાલવાનું છે.

 

સરકાર દ્વારા આ પ્રકારે સંસદનું સત્ર ખતમ કરવાના મનસૂબા પાછળ અનેક કારણો છે, તેમાં અવિશ્વાસના પ્રસ્તાવનો ડર, અણ્ણા હજારેનું સંભવિત આંદોલન અને સાથી પક્ષોના વિરોધી વલણ સામેલ છે. આંધ્રપ્રદેશને ખાસ રાજયનો દરજ્જો આપવાની માગણીને લઈને ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ સરકારની વિરુદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી આ માટે કોશિશ કરી રહ્યા છે પરંતુ લોકસભા અધ્યક્ષ ગૃહ વ્યવસ્થિત ન હોવાનો તર્ક આપીને તેને સ્વીકારતા નથી.

અવિશ્વાસ પ્રસ્તાવ પર બંને પાર્ટીઓ અગાઉ એકલી હતી પણ હવે તેમની સાથે અન્ય વિપક્ષી દળો જોડાતા જાય છે. જો કે સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે અને તેને અવિશ્વાસ પ્રસ્તાવનું જોખમ નથી પણ તેમ છતાં સરકાર ઈચ્છતી નથી કે વિપક્ષને આ પ્રસ્તાવના કારણે તેની વિરુદ્ઘ એક થવાનો મોકો મળી જાય.

આ સાથે શિવસેના જેવા અનેક પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ઘ પોતાનો ઉકળાટ ઠાલવવા માટે ઉપયોગ કરી શકે છે. સરકાર ઈચ્છતી નથી કે તેના ચાર વર્ષ પૂરા થવાના સમયે પીએમ મોદીને લઈને એવો સંદેશો જાય કે તેઓ સાથીઓને સાથે રાખીને ચાલતા નથી. એનડીએમાં ફૂટ પડે તો સરકાર તો વિખેરાઈ નહીં જાય પણ તેની ઈમેજ પર ચોક્કસ અસર પડશે.

સમાજસેવી અણ્ણા હજારે મોદી સરકાર વિરુદ્ઘ મહાધરણાની તૈયારીમાં છે. ૨૩ માર્ચથી જ દિલ્હીમાં રામલીલા મેદાન પર અણ્ણા હજારે ફરી એકવાર બાંયો ચઢાવશે. આ વખતે અણ્ણા હજારેએ ખેડૂતોના હક માટે નક્કર પગલાં લેવા માટે માગણી કરી છે. લોકપાલ પણ તેમના એજન્ડા પર છે. સરકારની તેમને મનાવવાની કોશિશો અત્યાર સુધી તો નિષ્ફળ રહી છે. સરકાર વિરુદ્ઘ અણ્ણાને સમર્થન આપીને વિપક્ષ મોદી સરકાર વિરુદ્ઘ માહોલ બનાવવાની કોશિશ કરી શકે છે. આથી વિશેષ, મોદી સરકાર ૨૩ માર્ચે જ સંસદનું સત્ર સમાપ્ત કરવા માગે છે અને આ જ દિવસે રાજયસભાની ખાલી ૫૮ સીટો માટે અલગ અલગ રાજયોમાં ચૂંટણી યોજાવાની છે.

આ વખતે યુપી-ઝારખંડ અને કર્ણાટક જેવા રાજયોમાં જે રીતે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, તેનાથી અહીં ક્રોસ વોટિંગ જોવા મળી શકે છે. જો એવું થયું તો વિપક્ષી દળોને સરકારને ઘેરવાનો વધુ એક મુદ્દો મળી જશે. ૨૩ માર્ચે જ સંસદનું સત્ર ખતમ કરવામાં આવે તો જ તેનાથી બચી શકાય તેમ છે.(૨૧.૧૨)

(11:01 am IST)
  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST

  • બોલીવુડમાં જેમના લગ્નની ચર્ચા સૌથી વધુ છે એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીરે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. બંના વેડિંગ લૂકનો ફોટો વાઇરલ થયો છે. દીપિકા પાદુકોણના એક ફેન સિદ્ધાંતે સુંદર રીતે ફોટોશોપ કરીને આ તસવીરો તૈયાર કરી છે. આ તસવીરો સાથે અનેક હેશટેગ આપવામાં આવ્યા છે. એક્ટર્સ અથવા તેના પરિવાર તફથી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. access_time 1:50 am IST

  • દિલ્હી અને એનસીઆર ઉપર જોરદાર વાદળા ઘેરાયાઃ વરસાદની અને પવન ફુંકાવાની આજે પુરી સંભાવનાઃ જો કે આવતીકાલ સુધીમાં હવામાન ચોખ્ખુ થઈ જવા આગાહી access_time 12:52 pm IST