Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વિહિપના રામ રથનો તામિલનાડુમાં જબરજસ્ત વિરોધઃ ૩૦૦ની ધરપકડઃ ભારે તંગદિલી

નવી દિલ્હી તા. ૨૧ : અયોધ્યામાં રામમંદિર માટે દેશવ્યાપી સમર્થન મેળવવાના ઇરાદે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી શરૂ થયેલા રામરાજય રથનો તામિલનાડુ પહોંચતાવેંત જ ભારે વિરોધ થઇ રહ્યો છે.

ડીએમકે, મુસ્લિમ સંગઠનો અને તામિલ સમર્થકોએ જબરજસ્ત વિરોધ કર્યો છે. લગભગ ૩૦૦ લોકોની ધરપકડો થયાના સમાચાર મળે છે.

આ પહેલા આ યાત્રા જે સ્થળોએથી પસાર થવાની હતી તેવા અનેક સ્થળોમાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી હતી. વિરોધ કરનારા પક્ષો અથવા તો જૂથોનું કહેવું છે કે આ રામ રથને લીધે તામિલનાડુમાં સાંપ્રદાયિક માહોલ બગડી શકે છે.

જયારે બીજી તરફ સેંકડો ભકતો અને હિંદુ સંગઠનોએ ફૂલોનો વરસાદ કરીને રામરાજય રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ રથયાત્રાને એમએમકે.. મણિથાનેયામક્કલ કાતચીના કાર્યકર્તાઓ સહિત કેટલાંક લોકોએ રોકવાની ધમકી પણ આપી છે.  ૧૩ મી ફેબ્રુઆરીથી આ યાત્રા સમગ્ર દેશ ઘૂમી વળવા માટે નીકળી છે.

તામિલનાડુના મુખ્યમંત્રી પલાની સ્વામીએ આ યાત્રાને રાજયમાં મંજૂરી આપવા માટે અન્ના ડીએમકે સરકારના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે તમામ ધર્મોને સમાન અધિકાર છે. તેમણે આ યાત્રાના મુદ્દે રાજકીય રંગ આપવાવાળા વિરોધ પક્ષોની ટીકા પણ કરી હતી.

તાજેતરમાં જ નવી રાજકીય પાર્ટી રચનારા અને બહુચર્ચિત અભિનેતા કમલ હાસને કહ્યું છે કે ભાગલા કારી રાજનીતિના એજન્ડા હેઠળ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે યાત્રાને મંજૂરી આપવાના નિર્ણયની ભારે ટીકા કરી હતી.

તો બીજી તરફ અભિનેતા રજનીકાંતએ પણ તમિલનાડુ સરકારને ચેતવણી આપતાં કહ્યું છે કે રાજયમાં સાંપ્રદાયિક ટેન્સનને રોકવામાં આવવું જોઈએ.(૨૧.૬)

 

(9:51 am IST)