Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગુજરાત પેટર્નઃ છત્તીસગઢમાં ભાજપના અનેક ધારાસભ્યોના પત્તા કપાશે

ધારાસભ્યોની લોકપ્રિયતાનો ગ્રાફ ખૂબ જ નીચે ચાલ્યો ગયોઃ ધારાસભ્યોને રીપીટ કરવાનું ભાજપ માટે મુશ્કેલ બનશે

રાયપુર તા. ૨૧ : છત્તીસગઢની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષના હાલના અનેક ધારાસભ્યો ઉપર આ વખતે ગુજરાતની જેમ જ તલવાર લટકી રહી છે. ભાજપ સંગઠન તરફથી કરવામાં આવેલ આંતરિક સર્વેના પરિણામો બહુ ઉત્સાહજનક નથી. આના કારણે જ હવે પર્ફોર્મન્સ ઉપર જ ભાજપ ધારાસભ્યોની ટિકિટો કપાવાની પૂરી તૈયારી છે અને તેમના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે.

જો કે ભાજપ સંગઠન તરફથી દરેક ચૂંટણીમાં આ પ્રકારના પ્રયોગો થતા જ રહે છે. તેમ છતાં આ વખતે ગુજરાત પેટર્ન ઉપર ટિકિટ વિતરણ કરવાની તૈયારી ચાલી રહ્યાના ભરોસાપાત્ર વર્તુળોમાંથી નિર્દેશો મળી રહ્યા છે. ગુજરાતમાં લગભગ ૪૦ ટકાથી વધુ ધારાસભ્યોની ટીકીટ કાપીને નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો હતો. છત્ત્।ીસગઢમાં પણ આ વખતે લગભગ ૫૦% વિધાયકો ડેન્જર ઝોનમાં નજરે આવી રહ્યા છે.

સંગઠને આંતરિક સર્વે કરાવ્યો તેમાં આ ધારાસભ્યોની લોકપ્રિયતાનો ગ્રાફ ખૂબ જ નીચે ચાલ્યો ગયો છે. સ્થાનિક લોકોએ પણ આ વિધાયકોના કામકાજ ઉપર ભારે નારાજગી દર્શાવી છે. આવી સ્થિતિમાં આવા સીટીંગ ધારાસભ્યોને રીપીટ કરવાનું ભાજપ માટે મુશ્કેલ બનશે. તેમના સ્થાને અત્યંત ખાનગી રીતે નવા ચહેરાઓની શોધ શરૂ થઈ ગઈ છે.

ભાજપના રણનીતિકારો તમામ જિલ્લાઓમાં ઘૂમી વળી જાણકારી મેળવી રહ્યા છે. સક્રિય અને નવા ચહેરાઓની તપાસ પુરજોશમાં ચાલી રહ્યાના નિર્દેશ મળે છે. આવી સ્થિતિમાં પક્ષની સામે અસંતોષ પણ ઉભરાઈ આવે તેનો પુરો ખતરો છે. જો કે પક્ષે આ બધાને ભરી પીવા માટે પ્લાન ઘડી કાઢયો છે.

ગુજરાતમાં આવી જ રીતે જરૂરી ધારાસભ્યોની ટીકીટ કાપી, પણ જે રીતે દાવો થતો હતો તે મુજબ સફળતા મળી ન હતી અને ભાજપની બેઠક સંખ્યા ઘણી ઘટી ગઈ હતી.

છત્ત્।ીસગઢમાં એન્ટી-ઈન્કમ્બન્સી સામે લડી રહેલ ભાજપ સરકાર હવે સંગઠનમાં નવા ચહેરાઓ ઉપર ભરોસો કરી શકે છે. બદલાવ આવી રહ્યાના નિર્દેશો વચ્ચે પક્ષની આંતરિક સ્થિતિ પણ ખળભળાટ મચાવી દેનારી બની ગઈ છે. સંખ્યાબંધ ભાજપના ધારાસભ્યો અત્યારથી જ પક્ષના દિગ્ગજ નેતાઓના ઘરે ચક્કર કાપવા લાગ્યા છે અને પોતાના ક્ષેત્રોમાં કરાયેલા વિકાસના કામોની દલીલો રજૂ કરી રહ્યા છે.(૨૧.૫)

(9:50 am IST)