Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવારી નોંધાવશેઃ રાહુલ ગાંધીની ખાસ કહેવાતી અભિનેત્રી રમ્યાની માતાની ચિમકી

બેંગલુરુ: કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ખાસ કહેવાતી અભિનેત્રી રમ્યાની માતાએ ચિમકી આપી કે જો તેને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન અપાય તો વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

રમ્યાની માતા રંજીતાએ મંડ્યા વિધાનસભા બેઠક પરથી ટિકિટ માગી છે, એટલું જ નહીં પોતાની દીકરીને પક્ષમાં યોગ્ય પદ આપવામાં આવે તેવી પણ તેમણે ડિમાન્ડ કરી છે. રંજીતાએ જણાવ્યું હતું કે, તેઓ આ ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છે છે.

મંડ્યા બેઠક પરથી ચૂંટણી લડવાની માગ કરતા રમ્યાના માતાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસની નેતાગીરીને વિનંતી કરું છું કે મને ટિકિટ આપે. જો મને ટિકિટ નહીં મળે તો હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. તેમણે એમપણ જણાવ્યું હતું કે, તેઓ 28 વર્ષથી પક્ષ માટે કામ કરી રહ્યાં છે, પરંતુ તેમને બદલામાં કંઈ નથી મળ્યું, જેનાથી તેઓ ખૂબ વ્યથિત છે. રમ્યા અંગે તેમણે કહ્યું હતું કે તેમની દીકરી પક્ષ માટે ઘણું કરી શકે તેમ છે.

રમ્યા આ અંગે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એવા પણ અહેવાલ હતા કે રમ્યા મંડ્યા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે. જોકે, રમ્યાએ આ સમાચાર મીડિયાની જ ઉપજ હોવાનું કહી તેને ફગાવી દીધા હતા. રમ્યાના માતા પૂર્વ કોંગ્રેસી નેતા એસએમ ક્રિશ્નાની ખૂબ નજીક હતાં.

(5:55 pm IST)