Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

બાર જયોતિર્લિંગ કયા..

નવીદિલ્હી, તા. ૨૧ : દેવાધિદેવ મહાદેવના દેશભરમાં આવેલા બાર જયોતિર્લિંગ ખાતે આજે મહાશિવરાત્રીને લઇ વિશેષ મહાપૂજા અને આરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ પણ અનન્ય મહિમા ધરાવતા દેશના ૧૨ જયોતિર્લિંગ ખાતે પણ લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોએ ભોળાનાથની ભારે શ્રધ્ધા ભકિતથી પૂજા-અર્ચના કરી હતી અને જાણે શિવમય બન્યા હતા. દેશના બાર સુપ્રસિધ્ધ જયોતિર્લિંગમાં ગુજરાતનું સોમનાથ જયોતિર્લિંગ, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ પર્વત પર આવેલ શ્રીમલ્લિકાર્જુન જયોતિર્લિંગ, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ એકમાત્ર દક્ષિણમુખી મહાકાલેશ્વર જયોતિર્લિંગ, મધ્યપ્રદેશમાં ઇન્દોર પાસેના ઓમકારેશ્વર જયોતિર્લિંગ, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતેના કેદારનાથ જયોતિર્લિંગ, મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં આવેલું ભીમાશંકર જયોતિર્લિંગઉત્તરપ્રદેશના કાશી ખાતેનું વિશ્વનાથ જયોતિર્લિંગ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત ત્ર્યંબકેશ્વર જયોતિર્લિંગ, ઝારખંડના દેવધર જિલ્લામાં આવેલું વૈદ્યનાથ જયોતિર્લિંગ, ગુજરાતના દ્વારકા પાસે આવલે નાગેશ્વર જયોતિર્લિંગ, તામિલનાડુના રામનાથપુરમમાં આવેલ રામેશ્વર જયોતિર્લિંગ અને મહારાષ્ટ્રના દોલતાબાદમાં આવેલ ધૃષ્ણેશ્વર અથવા ધૃષ્મેશ્વર જયોતિર્લિંગનો સમાવેશ થાય છે. શિવપુરાણ, સ્કંદપુરાણ સહિતના શાસ્ત્રોમાં બાર જયોતિર્લિંગનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શિવ-પાર્વતીના સાક્ષાત પરચા પૂરતા બારેય જયોતિર્લિંગ વિશેષ અને અનન્ય મહાત્મ્ય ધરાવતા હોઇ લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોએ આજે તીર્થધામોમાં ભોળાનાથને પ્રસન્ન કરવા ભકિત-ઉપાસના કરી હતી. બારેય જયોતિર્લિંગ ખાતે આજે શિવભકતોનું જાણે ઘોડાપૂર ઉમટયુ હતું.

(7:58 pm IST)