Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની બેઠક : તમામ મુદ્દાઓ છવાયા

કેન્દ્રીય કરવેરામાં હિસ્સાની માંગણી કરવામાં આવી : દિલ્હીના વિકાસ માટેના મુદ્દા ઉપર ચર્ચા થઇ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા

નવી દિલ્હી, તા.૨૧ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે વાતચીત કરી હતી. નાણામંત્રાલયની જવાબદારી સંભાળી લીધા બાદ સિસોદિયાએ મુલાકાત દરમિયાન દિલ્હી માટે કેન્દ્રીય કરવેરામાં હિસ્સાની માંગ કરી હતી. સાથે સાથે એમસીડીને લઇને પણ અન્ય રાજ્યોની જેમ ફંડ આપવા માટેની માંગ કરી હતી. દિલ્હીમાં નવી સરકારની રચના બાદ સિસોદિયાની પ્રથમ બેઠક નિર્મલા સીતારામન સાથે રહી હતી. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કેજરીવાલે મુલાકાત કરી હતી. દિલ્હીના નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ સીતારામન સાથે વાતચીતને ખુબ ઉપયોગી ગણાવી હતી અને કહ્યું હતું કે, દિલ્હીના આર્થિક વિકાસ માટે સહકાર ઉપર ચર્ચા કરવામાં આવી છે.

         એક અન્ય ટ્વિટમાં સિસોદિયાએ કહ્યું હતું કે, નાણાંમંત્રીની સાથે બેઠકમાં તેઓએ એમસીડી માટે તેમના જેમ ફંડ આપવા માટેની માંગ કરી હતી. જે રીતે કેન્દ્ર સરકાર અન્ય રાજ્યમોમાં નિગમોને ૪૮૮ રૂપિયા પ્રતિવ્યક્તિ પ્રતિવર્ષની દ્રષ્ટિએ હિસાબ આપે છે. હાલમાં દિલ્હી નગરનિગમ માટે કેન્દ્ર સરકાર તરફથી કોઇ ફંડ મળતા નથી. સિસોદિયાએ કહ્યું છે કે, કેન્દ્રીય કરવેરામાં દિલ્હી માટેના હિસ્સાની પણ માંગ કરવામાં આવી છે. દિલ્હીમાં સ્કુલ, હોસ્પિટલો ખોલવા, યમુનાને સ્વચ્છ કરવા, વિજળી પાણીની વ્યવસ્થા કરવા મદદ મળે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. છેલ્લી આવધિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જોરદાર ખેંચતાણની સ્થિતિ વિવિધ મુદ્દાઓને લઇને જોવા મળી હતી. વખતે કેજરીવાલે કહ્યું છે કે, તેઓ દિલ્હીના વિકાસ માટે કેન્દ્રની સાથે મળીને કામ કરશે. મફત વિજળી, પાણી અને બસ યાત્રા જેવી સુવિધા આપવાનું વચન કેજરીવાલ સરકારે આપ્યું છે. દિલ્હી સરકાર હવે બજેટ રજૂ કરશે.

(7:54 pm IST)