Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

શાહીન બાગનો રસ્તો ખુલતા લોકોને થયેલી આંશિક રાહત

એક રસ્તો બે મહિના બાદ ખુલી ગયો : રિપોર્ટ : જામ રસ્તા પૈકીનો એક ખુલી જતા છેલ્લા કેટલાક સમયથી પરેશાન તમામ લોકોને રાહત : પોલીસ દ્વારા બેરિકેડ દુર

નવી દિલ્હી,તા.૨૧ : દિલ્હીમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા શાહીનબાગમાં એક રસ્તો હવે ખુલી ગયો છે જેથી આગામી દિવસોમાં અન્ય રસ્તાઓ પણ ખુલી જવાની શક્યતા દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી ટીમ દ્વારા વાતચીતનો સિલસિલો શરૂ કરવામાં આવ્યા બાદ હવે રાહત થઇ છે. જો કે, હજુ પણ કેટલાક વર્ગના લોકો આંદોલનને લઇને મક્કમ દેખાઈ રહ્યા છે. સાથે સાથે જગ્યા છોડવા માટે પણ તૈયાર નથી. શાહીનબાગમાં પ્રદર્શનના કારણે બંધ રસ્તાને ખોલવવા માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ધરણાપર પર બેઠેલા લોકોને સમજાવવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સુધારા કાનુનની સામે ધરણા પ્રદર્શનના કારણે બંધ રહેલા નોઇડાથી ફરીદાબાદ તેમજ જૈતપુર જતા રસ્તાને બે મહિના બાદ ખોલી દેવામાં આવતા લોકોને આંશિક રાહત થઇ છે. ઓખલા અને સુપર નોવાના રસ્તાને ખોલી દેવામાં આવતા પોલીસને પણ રાહત થઇ છે.

        પોલીસે આજે શુક્રવારના દિવસે રસ્તામાંથી બેરિકેડિંગ દુર કરી દીધી હતી. ધ્યાન રાખવા જેવી બાબત છે કે કાલિંદીકુંજ રસ્તો હજુ પણ બંધ સ્થિતીમાં છે. દેખાવકારોએ પોતાની તરફથી કોઇ રાહત આપી નથી. પોલીસે ઓખલા પછી વિહારની પાસે જે બેરિકેડિંગ કરી હતી તેને દુર કરવામાં આવી છે. નોઇડા પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે શુક્રવારે સવારમાં ઓખલા બર્ડ સેન્યુરીની પાસે રહેલી બેરિકેડને દુર કરી દેવામાં આવી છે. જેના કારણે બદરપુર તરફ જતા લોકોને રાહત થઇ છે. લોકોને હજુ સુધી મદનપુર ખાદર થઇને જવાની ફરજ પડી રહી હતી. મદનપુર ખાદરવાળા રસ્તાથી જવામાં ૨૦ મિનિટના બદલે અડી કલાકનો સમય લાગી રહ્યો હતો. હવે રસ્તો ખુલી ગયા બાદ બદરપુર, જૈતપુરમાં રહેતા લોકોને મોટી રાહત થઇ છે. લોકોના કહેવા મુજબ નોઇડા પોલીસને રસ્તો બંધ કરવાની કોઇ જરૂર હતી. કારણ કે દેખાવકારો ત્યાંથી ખુબ દુર બેઠેલા હતા. કાલિંદીકુંજની તરફ જતો રસ્તો હજુ બંધ રાખવામાં આવ્યો છે. રોડ નંબર ૧૩ હજુ પઁણ બંધ છે.

        આ રસ્તા પર શાહીનબાગના પ્રદર્શનકારી દ્વારા હજુ એકત્રિત થયેલા છે. આના કારણે નોઇડાની તરફથી આશરે ૫૦૦ મીટર પહેલાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીના શાહીન બાગમાં સીએએની સામે ૧૩મી ડિસેમ્બરથી પ્રદર્શન જારી છે. પ્રદર્શનના કારણે લોકોની હાલત હજુ ખરાબ છે. બીજી બાજુ મંત્રણાકારોના પ્રયાસ હજુ સુધી ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. મંત્રણા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક પેનલની રચના કરી છે

રાહતની સાથે સાથે.....

*          શાહીનબાગમાં એક રસ્તો ખુલી જતાં મોટી રાહત

*          બે મહિનાથી વધુ સમયથી પરેશાન લોકોને રાહત

*          રસ્તાને ખોલવવા માટે સુપ્રીમ કોર્ટમાં રજૂ પણ થઇ હતી

*          સુપ્રીમ કોર્ટે નાગરિક સુધારા કાનૂનની સામે ધરણા પ્રદર્શન કરી રહેલા લોકોને સમજાવવા ત્રણ સભ્યોની કમિટિની રચના કરી હતી

*          કમિટિ દ્વારા બે બેઠકો પણ યોજવામાં આવી હતી

*          શાહીનબાગમાં એક રસ્તો ખુલતો ટ્રાફિકની સમસ્યા હળવી થશે

*          ઓખલા પક્ષી વિહારની પાસે લાગેલા બેરિકેડને દૂર કરાયા

*          નોઇડાથી ફરિદાબાદ અને જેતપુરની તરફ આવતા રસ્તાને ખોલી દેવામાંઆવ્યો

*          ૧૩મી ડિસેમ્બરથી ધરણાપ્રદર્શન ચાલી રહ્યા હતા

(7:56 pm IST)