Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

યે દિલ માંગે મોર : ટ્રમ્પનો નવો ચોંકાવનારો દાવો

અમદાવાદમાં મારૂ સ્વાગત કરશે ૧ કરોડ લોકો

પહેલા ૫૦ લાખ પછી ૭૦ લાખ અને હવે નવો ૧ કરોડનો દાવો : અમદાવાદની વસ્તી છે ૭૦ લાખ

અમદાવાદ તા. ૨૧ : ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આવતા પહેલાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના સ્વાગતમાં કેટલાં લોકો અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમની વચ્ચે ઉભા હશે? ૧ લાખ કે ૭૦ લાખ કે પછી ૧ કરોડ. પહેલાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના સ્વાગતમાં ૭૦ લાખ લોકો ઉભા હશે અને હવે તેમણે કહ્યું કે ૧ કરોડ લોકો તેમનું સ્વાગત કરશે. ટ્રમ્પ પીએમ મોદીના હવાલેથી આવો દાવો કરી રહ્યા છે. જો કે સરકારે તેના પર હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી. આપને જણાવી દઇએ કે અમદાવાદની કુલ વસતી જ ૭૦ લાખ છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અમેરિકાના કોલરાડોમાં આયોજીત એક રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવતા સપ્તાહે હું ભારત જઇ રહ્યો છું. પીએમ નરેન્દ્ર મોદી મને બહુ ગમે છે, હું તેમની સાથે ટ્રેડ ડીલને લઇ પણ વાત કરીશ. મોટેરા સ્ટેડિયમ જતા સમયે ૧૦ મિલિયન (૧ કરોડ) લોકો અમારું સ્વાગત કરશે.

જો અમેરિકન રાષ્ટ્રપતિ સાંભળવામાં અને બોલવામાં ભૂલ કરતાં નથી તો તેનો મતલબ અમદાવાદ શહેરમાં વૃદ્ઘ, બાળકો સહિત દરેક રહેવાસી રસ્તા પર આવીને તેમનું સ્વાગત કરવું પડશે, જો કે તે અશકય છે અને ટ્રમ્પના નવા દાવાને પૂરો કરવા માટે તો પાડોશી જિલ્લાઓમાંથી પણ લોકોને લાવવા પડશે.

ટ્રમ્પ આ મહિનાની ૨૪મી તારીખે યોજાનાર રોડ શોમાં ૧ થી ૨ લાખ લોકો આવવાની સંભાવના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નહેરાએ કહ્યું કે અમારું માનવું છે કે રોડ શો દરમ્યાન ગણમાન્ય લોકોના સ્વાગતમાં ૧ થી ૨ લાખ લોકો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની કુલ વસતી લગભગ ૭૦ લાખ છે. અધિકારીઓનું માનવું છે કે એરપોર્ટથી સ્ટેડિયમની વચ્ચે રોડ શોના ૨૨ કિલોમીટર લાંબા માર્ગમાં ૧-૨ લાખ લોકોને લાઇનમાં ઉભા રહે તેવી આશા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે સંખ્યાનો દાવો કર્યો છે તેના કરતાં આ આંકડો ખૂબ નાનો છે.

ટ્રમ્પે કહ્યું કે, ત્યાં એટલી ભીડ આવશે જાણે કે હવે હું બીટલ્સ જેવો લોકપ્રિય થઈ ગયો છું. આટલી ભીડથી તો સ્ટેડિયમ પણ ફુલ થઈ જશે અને લોકોને બહાર ઊભા રહેવું પડશે.નોંધનીય છે કે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભીડને લઈ અલગ-અલગ દાવા કરી ચૂકયા છે. એક નિવેદનમાં તેઓએ ૫ મિલિયન (૫૦ લાખ) ભીડ એકત્ર થવાની વાત કહી હતી. તો ગુરુવારે આપેલા પોતાના નિવેદનમાં ભીડનો આંકડો ૭ મિલિયન (૭૦ લાખ) રહેશે તેવો દાવો કર્યો હતો.

આ દરમિયાન ટ્રમ્પનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓએ કહ્યું કે, હું આવતા સપ્તાહે ભારત જઈ રહ્યો છું અને અમે વેપાર પર વાત કરીશું. અમારી પર છેલ્લા એક વર્ષોથી અસર પડી રહી છે. હું હકિકતમાં પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું પરંતુ અમારે થોડી બિઝનેસ પર વાત કરવાની જરૂર છે. દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે.

(4:22 pm IST)