Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્પની ભારત યાત્રા દરમ્યાન ભારત - અમેરિકા સંરક્ષણ સહિત પાંચેક કરારો કરશે

H-1 બી વીઝા અંગે પણ વાતચીત થશે

નવી દિલ્હી,તા.૨૧: પોતાના ભારત પ્રવાસ પહેલા ટ્રમ્પે બુધવારે બયાન આપ્યું હતું કે ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર નથી કર્યો. તેના પર ગઇ કાલે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે કહ્યું કે એ બયાનનો સંદર્ભે સમજવો જરૂરી છે. તે બયાન કારોબારી સંતુલનના પરિપ્રેક્ષ્યમાં હતું. આ બાબતે દર્શાવાયેલી ચિંતાઓ દુર કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

ટ્રમ્પે બુધવારે એમ પણ કહ્યું હતું કે આ પ્રવાસમાં ભારત સાથે મોટી ટ્રેડ ડીલ સમજુતિ નહીં થાય. સાથે સાથે એવી આશંકા પણ દર્શાવી હતી કે નવેમ્બરમાં અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણી પહેલા પણ આ સમજુતિ નહીં થઇ શકે. આ બાબતે રવીશકુમારે કહ્યું કે ટ્રેડ ડીલ સમજુતિ પર ભારત કોઇ પ્રકારની ડેડલાઇન નથી રાખવા માગતું. મંત્રાલય અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતયાત્રા દરમ્યાન બંને દેશો વચ્ચે પાંચ સમજુતિના કરાર (એમઓયુ) થઇ શકે છે. પુલવામાં હુમલા પછી ભારત-અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ મજબુત થયો છે.

મંત્રાલયે જણાવ્યું કે ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની વાતચીત દરમ્યાન એચ-૧ બી વીઝાનો મુદ્દો ઉઠાવી શકાય છે. અમેરિકામાં કામ કરવાવાળાઓ માટેના આ વીઝાના ૭૦ ટકા અરજદાર ભારતીયો હોય છે. પણ એપ્રિલથી નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. તેના હેઠળ હવે કંપનીએ પહેલાથી જણાવવું પડશે. કે તે કયા કર્મચારીને અમેરિકામાં નોકરી આપી રહી છે. જેના આધાર પર તે વ્યકિતને વર્ક પરમીટ આપવામાં આવશે. એવી આશંકા છે કે પરિક્ષણ વગર આ વ્યવસ્થા અમલી બનાવવાથી ભારતીયોને અમેરિકામાં નોકરીએ જવામાં મુશ્કેલીઓ ઉભી થશે.

(11:43 am IST)