Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધિ સ્થાન 'રાજઘાટ'માં પધાર્યા રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.

એક સંત હંમેશા સત્યના ચાહક, વાહક અને પ્રેરક હોય છેઃ જે સત્ય બોલે છે તે કદી હારતા નથીઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા.૨૧: સત્યના માર્ગને જાણ્યા વગર કોઈ પૂર્ણપણે અહિંસાનું પાલન નથી કરી શકતા, માટે જ 'અહિંસા પરમો ધર્મ છે' આ સંદેશ સર્વને આપવાવાળા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ સ્થાન, 'રાજઘાટ' પર 'અહિંસાના ચાહક, ગ્રાહક અને વાહક રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંત સતીજીઓએ પધારીને અહિંસાનો સંદેશ આપ્યો હતો.

 

ગાંધી સ્મૃતિ દર્શન સમિતિના નિર્દેશક ડો. શ્રી દિપાંકર શ્રીનાથજી તેમજ દિલ્હી પ્રવાસ સંયોજક શ્રી અમિતરાયજી જૈનની જહેમતથી રાજઘાટ પર પધારેલ પૂજય સંત સતીજીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.'

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે જૈન દર્શનના ''સચ્ચં ખલુ ભગવમ્'' સત્ય, તે ભગવાન છે એ વાત કહેતા ફરમાવ્યું હતું કે, હિંસાના માર્ગથી છીનવીને પણ પોતાનો હક લેવાવાળા લોકોની માન્યતાની વચ્ચે, અહિંસાના માર્ગ પર ચાલીને ભારતને આઝાદી અપાવવાવાળા ગાંધીજીએ પોતાના જીવનમાં અહિંસાની સાથે સત્યને મહત્વ આપ્યું હતું.

બાળપણથી જ જૈન પરિવારની સાથે ખાવું-પીવું તેમજ તેઓની અહિંસક રહેણી-કરણીની અસર ગાંધીજીના સમગ્ર જીવનને સત્ય અને અહિંસાથી પ્રભાવિત કરી ગઈ હતી. એવું કહેવાય છે કે, જેવું અન્ન એવું મન ગાંધીજી નાનપણથી જ જૈન પરિવાર સાથે મોટા થયાં હતા. તેમનું ખાન - પાન અને રહેણ જૈન પરિવારની સાથે થતું હતું અને માટે જ ગાંધીજીની વિચારધારામાં જૈનોના અહિંસા, સત્ય આદિ સિધ્ધાંતોની અસર ઉંડાણ સુધી થઈ હતી.

સંત પણ હંમેશાં સત્યના ચાહક, વાહક અને પ્રેરક હોય છે. આપણે સત્ય અને અહિંસાના ફકત પાલક ન બનવું જોઈએ, પરંતુ તેના વાહક બનીને અહિંસાને વિશ્વવ્યાપી બનાવવી જોઈએ. જે હંમેશા સત્ય બોલે છે તેઓની હંમેશા જીત થાય છે.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના રાજદ્યાટ પધરામણીના આ અવસરને ઐતિહાસિક અવસર બતાવતા શ્રી અમિતરાયજી એ કહ્યું હતું કે, 'મહાત્મા ગાંધીજીની પાવન અસ્થિઓ જયાં સમાયેલી છે, એવાં આ સમાધિ સ્થાન પર જૈન સંતોની પધરામણીની આજની આ ક્ષણ અલૌકિક ક્ષણ બની ગઈ છે, જે આજથી ઘણા વર્ષ બાદ પણ યાદ રહેશે.'

ગાંધીજીના સમગ્ર જીવન પર પ્રકાશ પાડી, ' ગાંધી સ્મૃતિ સ્થાન'ની મુલાકાત લઈને પરમ ગુરુદેવ આદિ સર્વ સંતો સતીજીઓએ મહાત્મા ગાંધીના જીવન દ્રશ્યોનું દર્શન કર્યું હતું.(૩૦.૩)

(11:30 am IST)