Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

નમસ્તે ટ્રમ્પઃ ખર્ચાળ ઇવેન્ટની આયોજક આ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' કોણ છે?

નવી દિલ્હી, તા.૨૧:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે સંયુકત કાર્યક્રમને સંબોધિત કરવાના છે અને તે કાર્યક્રમને લઈને ખર્ચ ઉપરાંત હવે આયોજકનું નવું જ રહસ્યમય નામ સામે આવ્યું છે.

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની ભવ્યતાની સાથે તેની પાછળના જંગી ખર્ચ તથા આ ભવ્ય કાર્યક્રમના આયોજક કોણ છે તેના વિશે ચર્ચા થઈ રહી હતી તેમાં હવે એક નવું નામ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું ઉમેરાયું છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગઈ કાલે દિલ્હીમાં પત્રકારપરિષદમાં કહ્યું કે અમદાવાદમાં યોજાઈ રહેલી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કરી રહી છે.

જોકે, ધ હિંદુના એક અહેવાલ મુજબ આવી કોઈ સમિતિનું નામ ગુજરાતમાં કોઈને ખબર નથી.

અત્યાર સુધીની માહિતી મુજબ અમેરિકાના પ્રમુખ અમદાવાદમાં ત્રણ કલાક માટે રોકાશે અને રોયટર્સના અહેવાલ મુજબ આ કાર્યક્રમના આયોજનમાં ૮૫ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે સંયુકત કાર્યક્રમને સંબોધિત કરવાના છે.

હાઉડી મોદીમાં બેઉ પક્ષના નેતાઓ આમંત્રિત હતા તો શું નમસ્તે ટ્રમ્પમાં પણ એવું છે? આ સવાલના જવાબમાં રવીશ કુમારે કહ્યું કે આ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ આયોજિત કરી રહી છે અને કોને બોલાવવા કે ન બોલાવવા તે નિર્ણય તે લઈ રહી છે. આ સવાલ તેમને પૂછાવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાત સરકારે આપેલી કોઈ પણ માહિતીમાં કે પ્રચારસાહિત્યમાં આવી કોઈ સમિતિનું નામ સામે નથી આવ્યું. અલબત્ત પ્રચાર માટે લાગેલા મોટા હોર્ડિંગ્સમાં આયોજકનું કોઈ નામ નથી.

પત્રકારપરિષદમાં રવીશ કુમારને એ સવાલ પણ કરવામાં આવ્યો હતો કે હાઉડી મોદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકન-ભારતીયોનો સંબોધન કર્યું હતું પરંતુ ટ્રમ્પ કોને સંબોધન કરશે? શું આ રાજકીય ઇવેન્ટ-પ્રમોશન નથી?

ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે એવો સવાલ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો છે. એમણે કહ્યું કે, ડીયર પીએમ આ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે? એ કયારે બની? અને કયારે અમેરિકાના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું? પ્રમુખ ટ્રમ્પ તમે ૭ મિલિયન લોકોની મોટી ઇવેન્ટ પ્રોમિસ કરી છે એમ કેમ કહી રહ્યા છે?

આ કાર્યક્રમ અંગે ગુજરાતના મુખ્ય મંત્રીથી લઈને અનેક અધિકારીઓ સુધી બેઠકો કરી રહ્યા છે અને યજમાનની ભૂમિકામાં છે, પરંતુ 'હાઉડી, મોદી'ની જેમ કોઈ ચોક્ક્સ આયોજક સમૂહ દેખાઈ નથી રહ્યો.

જોકે, 'નમસ્તે મોદી'નું આયોજન ટેકસાસ ઇન્ડિયા ફોરમે કર્યું હતું અને એમના સત્તાવાર ટિવટર હેન્ડલ પર પોતે આયોજક છે એમ પણ કહ્યું હતું.

જોકે, 'નમસ્તે ટ્રમ્પ'ના જે પણ હોર્ડિંગ શહેરમાં લાગ્યા છે તેમાં ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કાઙ્ખર્પોરેશન, ભાજપ કે અન્ય કોઈ સરકારી કે બિનસરકારી સંસ્થાનોના નામ કે લોગો જોવા નથી મળી રહ્યા.

ગુજરાત સરકારની વેબસાઇટ https://gujaratindia.gov.in/ તપાસીએ તો ત્યાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની પહેલી તસવીર સામે દેખાય છે, પરંતુ એના પર કિલક કરતાં અન્ય કંઈ વિગતો ખુલતી નથી.

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ટ્વીટ કરેલા વીડિયોમાં પણ કોઈ આયોજકની નોંધ નથી.

કાર્યક્રમની માહિતી માટે બનાવવામાં આવેલી વેબસાઇટ namastepresidenttrump.in પર રાજય સરકારની સંસ્થા ગુજરાત ઇન્ફોર્મેટિકસ લિમિટેડનો કોપીરાઇટ્સ બોલે છે પરંતુ રવીશ કુમારે જેને આયોજક ગણાવી છે તે ડોનાલ્ડ નાગરિક અભિનંદન સમિતિ વિશે એક વાકયની નોંધ કે ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો.

કાર્યક્રમમાં થઈ રહેલો મોટો ખર્ચ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કઁર્પોરેશનનું કહેવું છે કે લગભગ એક લાખ ૧૦ હજાર પ્રેક્ષકોની બેઠકક્ષમતાવાળા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સુધી પહોંચવાના રસ્તાઓ પહોળા કરવા તથા બ્યુટિફિકેશન પાછળ થયો છે, જે કાયમી સુવિધા છે.

અગાઉ ટ્રમ્પે ૭૦ લાખ લોકો ભાગ લેશે એમ કહ્યું હતું. જોકે વિજય નહેરા કહે છે કે રોડ-શોમાં 'એક થી બે લાખ લોકો' ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પછી સપ્ટેમ્બર ૨૦૧૯માં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 'હાઉડી, મોદી' હ્યુસ્ટનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભાગ લીધો હતો.

આશરે ૫૦,૦૦૦ લોકોએ જેમાં હાજરી આપી હતી, તે કાર્યક્રમનું આયોજન ટેકસાસ ઇન્ડિયા ફોરમે કર્યું હતું.

વિજય નહેરાએ સમાચાર સંસ્થા રાયટર્સને જણાવ્યું કે અંદાજે ૩૦ કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થઈ ગયા છે.

સ્ટેડિયમની ક્ષમતા એક લાખ દસ હજાર દર્શકોની છે. નેહરાએ કહ્યું કે જયાંથી ટ્રમ્પ નીકળવાના છે એ વિસ્તારની સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થશે.

અમદાવાદમાં કરવામાં આવેલાં રસ્તાઓ અંગે તેમણે કહ્યું, 'સ્ટેડિયમ તરફ જતાં ૧૮ રોડને પહોળા કરવામાં આવ્યા છે અને તેનું રિસરફેસિંગ તથા રિકાર્પેટિંગ કરવામાં આવ્યું છે.'

'આ સિવાય બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જ નહીં, વિશ્વ માટે યાદગાર ઇવેન્ટ બની રહે તેવા પ્રયાસ છે. તમામ સ્ટાફ ઓવરટાઇમ કામ કરી રહ્યો છે.'

કમિશનર વિજય નેહરા ઇવેન્ટમાં થઈ રહેલો ખર્ચ કાયમી ગણાવે છે.

તેઓ કહે છે કે, 'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી જે-જે સુવિધા ઊભી કરી રહ્યા છીએ, તે મહદંશે કાયમી પ્રકારની છે, જેથી આવનારા સમયમાં જયારે-જયારે મેચ રમાશે ત્યારે આ ખર્ચ કામે લાગશે.'

અલબત્ત, અમદાવાદના કમિશનર વિજય નહેરાએ એરપોર્ટથી સ્ટેડિયમ વચ્ચે આવકારમાં કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવાની વાત કરી છે.

વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા બીબીસી ગુજરાતીના જીગર ભટ્ટને જણાવે છે કે આવી ઇવેન્ટ 'પૈસાનો વેડફાટ' છે.

તેઓ કહે છે કે, 'નરેન્દ્રભાઇ મોદીને આવા ખર્ચ કરવાની આદત છે માટે તે આ કરી રહ્યા છે. તેમને ઇવેન્ટનું વળગણ છે. માટે તેઓ આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છે.'

'રાજીવ ગાંધીએ શરૂઆત કરી હતી'

નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ પહેલાં આવું દેખાતું

વરિષ્ઠ પત્રકાર આલોક મહેતા કહે છે કે, નરેન્દ્રભાઇ મોદીએ અગાઉ અમેરિકામાં અને બ્રિટનમાં આ રીતેના કાર્યક્રમ કર્યા છે.

તેઓ કહે છે આવા ભવ્ય કાર્યક્રમોની પરંપરા રાજીવ ગાંધીએ શરૂ કરી હતી અને પાછળથી નરસિંહ્મા રાવની સરકારમાં આ રીતના કાર્યક્રમ બંધ થયા.

તેઓ યાદ કરતાં કહે છે કે આ જ પ્રકારે એક મોટો કાર્યક્રમ મુલાયમસિંહની સરકારે અમેરિકન પ્રમુખ માટે યોજયો હતો.

પૂર્વ વિદેશસચિવ નવતેજ સરના આ કાર્યક્રમ અંગે કહે છે કે, 'વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકામાં હાઉડી મોદી તથા મેડિસિન સ્કવેરમાં કાર્યક્રમ કર્યો છે અને આ એ જ તરાહનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ રહ્યો છે.'

સમગ્ર મુલાકાત દરમિયાન ગોઠવવામાં આવેલી સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થશે, તે હજુ અસ્પષ્ટ છે.

અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય કુમારના કહેવા પ્રમાણેઃ 'ગુજરાત પોલીસ, તેની અલગ-અલગ પાંખો, એન.એસ.જી., એસ.પી.જી. સહિતના સંગઠનો સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.'

આ સિવાય ડી.આર.ડી.ઓ. દ્વારા તૈયાર કરવામાં આવેલી 'એન્ટિ-ડ્રોન ટેકનોલોજી'નો ઉપયોગ કરવામાં આવશે.

નાગરિકોને મોબાઇલ ફોન સિવાય બીડી-સિગારેટ કે ખાવા-પીવાની કોઈ વસ્તુ ન લઈ જવા જણાવવામાં આવ્યું છે.

અગાઉ DCP વિજય પટેલ, (કંટ્રોલર અમદાવાદ શહેર) દ્વારા અપાયેલી માહિતી અનુસારઃ

'ટ્રમ્પની મુલાકાત દરમિયાન ૨૫ IPS અધિકારીઓ, ૬૫ ACP કક્ષાના અધિકારીઓ, ૨૦૦ પોલીસ ઇન્સ્પેકટર, ૮૦૦ પોલીસ સબ-ઇન્સ્પેકટર અને ૧૦,૦૦૦ જેટલા પોલીસ કર્મચારી સુરક્ષાવ્યસ્થા માટે ખડેપગે રહેશે.'

નવા પ્રકારની ડિપ્લોમસી?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ઇવેન્ટ પાછળ આટલો ખર્ચ થવો જોઈએ કે નહીં તે અંગે બીબીસીના ગુજરાતીના જીગર ભટ્ટ સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છેઃ

'સામાન્ય માણસને આ ખર્ચ ઘણો મોટો લાગે છે.'

'પરંતુ જયારે કોઈપણ દેશના ટોચના નેતા બીજા દેશની સત્તાવાર મુલાકાતે હોય છે, ત્યારે તેઓ તે દેશના કલ્ચર, ટુરિઝમ, હરવા-ફરવાની જગ્યાની મુલાકાત લેતા હોય છે. આવું દરેક દેશમાં થાય છે.'

તેઓ વધુમાં કહે છે, 'આ પ્રકારની ઇવેન્ટ દુનિયાભરમાં થાય છે. દરેક દેશના ઇતિહાસમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે ખર્ચ થતો રહે છે.'

રાજ ગોસ્વામી 'નમસ્તે ટ્રમ્પ' જેવી બિનસત્તાવાર ઇવેન્ટને વિદેશનીતિનો એક નવો પ્રકાર ગણાવે છે.

આ પ્રકારની સાંસ્કૃતિક ઇવેન્ટને વરિષ્ઠ પત્રકાર આલોક મહેતા દેશો વચ્ચેના સંબંધ સુધારવા માટે એક સારું પાસું ગણાવે છે.

તેઓ કહે છે, 'બીજા દેશના રાષ્ટ્રપ્રમુખને તમે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમને જોડો જેનાથી તેમનો ભારત પ્રત્યે પ્રેમ વધે છે. જેનો ત્યાંના ભારતીયોને અને દેશની રાજકીય બાબતોમાં ફાયદો થાય છે.'

આલોક મહેતા કહે છે કે નરેન્દ્રભાઇ મોદી આ પ્રકારની મુલાકાતનો રાજકીય અને આર્થિક રીતે ફાયદો થાય છે.

(10:22 am IST)