Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાજસ્થાનમાં ચોરીની શંકાએ બે દલિત યુવકોને ઢોરમાર મરાયો

નાગોર, તા.૨૧: રાજસ્થાનના નાગોર પંથકમાં ચોરીના આરોપસર બે દલિત પિતરાઇ ભાઇઓને બર્બરતાપૂર્વક માર મારીને તેમના ગુપ્તાંગમાં પેટ્રોલ નાખવાનો વીડિયો સામે આવ્યો છે. નાગોર જિલ્લાના પાંચોડી વિસ્તારમાં ૧૬ ફેબ્રુઆરીના રોજ આ દ્યટના બની હતી. વીડિયો વાઇરલ થતાં પોલીસે પીડિત યુવકોનો સંપર્ક કરીને બુધવારે સાત આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસ તે પૈકી પાંચની ધરપકડ કરી ચૂકી છે અને બે આરોપીઓની શોધ ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટના ભયાવહ હોવાનું જણાવીને પીડિતોને ન્યાય અપાવવા જણાવ્યું છે.

પીડિતે પોલીસને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ૧૬ ફેબ્રુઆરીના રોજ તે પિતરાઇ ભાઇ સાથે બાઇક સર્વિસ માટે કરુણ ગામની એજન્સી ખાતે પહોંચ્યો હતો. ત્યાં ભીમસિંહ સહિતના યુવકોએ બંને ભાઇ પર કાઉન્ટરમાંથી ચોરી કર્યાના આક્ષેપ કર્યા હતા. તેમણે આક્ષેપ નકારતાં એજન્સીના પાછળના ભાગે લઇ ગયા હતા. બેલ્ટ અને લાતોથી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તે પછી આરોપીઓએ ડિસમિસ પર પેટ્રોલથી ભીનું કરેલું કપડું લપેટીને એક યુવાનના ગુપ્તાંગમાં પ્રવેશ કરાવ્યો હતો.

મારપીટની ઘટનાના બે કલાક પછી પીડિતે પોતાના બે પાડોશી યુવકને ફોન કરીને જણાવ્યું કે આવીને લઇ જાઓ. પીડિતનો મોટોભાઇ પછી એજન્સી પહોંચ્યો હતો અને બંનેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પોલીસે મારપીટ કરનારા આરોપી હડમાન, રદ્યુવીર, આઇદાન, છેલ અને રહમતુલ્લાની ધરપકડ કરી હતી.

દલિત યુવકો સાથે થયેલા દુર્વ્યવહાર થતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઘટના ભયાવહ હતી અને બીમાર માનસિકતા છતી કરે છે એમ જણાવીને રાજય સરકારને તરત પગલાં લઇને પીડિત યુવકોને ન્યાય અપાવવા જણાવ્યું હતું.

(10:21 am IST)