Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

તમામ પાકિસ્‍તાની કલાકારોના વિઝા રદ કરીને દેશ પરત મોકલી દેવા ઓલ ઇન્ડિયન સિને વર્કસ અેસો.ની માંગણી

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ અસોશિયેશન (એઆઇસીડબલ્યુએ)એ પુલવામા આતંકી હુમલા બદલ કેન્દ્ર પાસેથી તમામ પાકિસ્તાની કાર્યકરોના વિઝા રદ કરવાની તેમજ તેમને તત્કાલ તેમના દેશ પરત મોકલી દેવાની માગણી કરી છે. આ મામલે એઆઇસીડબલ્યુએ અધ્યક્ષ સુરેશ ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને એક અપીલ કરી છે. આ અપીલની નકલ મીડિયાને પણ પહોંચાડવામાં આવી છે.

આ અપીલમાં કહેવામાં આવ્યું છે કે એઆઇસીડબલ્યુએ 14 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરે છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

એઆઇસીડબલ્યુએએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ''શહીદ જવાનોના પરિવાર પ્રત્યે અમે ગાઢ સંવેદના વ્યક્ત કરીએ છીએ તેમજ સશસ્ત્ર દળોના એવા દરેક સભ્યને સલામ કરીએ છીએ જેમણે ફરજ દરમિયાન પોતાની જાતનું બલિદાન આપી દીધું. ભારતીય ફિલ્મ ઉદ્યોગ તરફથી એઆઇસીડબલ્યુએ સુષ્મા સ્વરાજ તેમજ વડાપ્રધાનને પાકિસ્તાની કલાકારોની આપણા દેશની યાત્રા પર પ્રતિબંધ લગાવવાની કઠોર કાર્યવાહી કરવાનો અનુરોધ કરે છે. મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા કોઈપણ પાકિસ્તાની કલાકારને વર્ક વીઝા ન આપવા જોઈએ. આ સિવાય ભારતમાં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકારોને તાત્કાલિક તેમના દેશ પાછા મોકલી દેવામાં આવે.''

નોંધનીય છે કે પુલવામા હુમલા પછી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાકિસ્તાની કલાકારોનો વિરોધ કરી રહી છે. આ સંજોગોમાં પાકિસ્તાની કલાકાર તેમજ ભારતીય કંપનીઓ વચ્ચે કોન્ટ્રાક્ટ પણ તુટી રહ્યા છે. ટી સિરીઝ જેવી મ્યુઝિક કંપનીએ તો સિંગર આતિફ અસલમને અનલિસ્ટ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

(5:11 pm IST)