Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

યુપીમાં ઇન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભઃ મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાતો

મોદીએ કર્યું ઉદ્ઘાટનઃ ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ સામેલ થયા : યુપી બની શકે છે દેશનું ગ્રોથ એન્જિનઃ વિકાસની અપાર સંભાવનાઃ મોદી

લખનૌ તા. ૨૧ : વડાપ્રધાન મોદીની હાજરીમાં આજે યોગી સરકારના યુપી ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૧૮નો પ્રારંભ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત યોગી સરકારની આખી કેબિનેટ હાજર છે. આ ઉપરાંત યુપી સરકારના આ મંચ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ઉપરાંત અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, એસ્સેલ ગ્રુપના સુભાષ ચંદ્રા, આદિત્ય બિરલા ગ્રુપના કે કુમાર મંગલમ બિડલા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, અપોલો હોસ્પિટલની શોભના કામની, ઇડલવાઇઝ ગ્રુપના ચેરમેન રશેશ શાહ અને ટાટા સન્સના ચેરમેન અને ચંદ્રશેખરન હાજર છે.

પીએમ મોદી દ્વારા ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કર્યા બાદ સૌથી પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાની કંપનીના રોકાણની જાહેરાત કરી. મુકેશ અંબાણીએ એક બાજુ યુપી સીએમ યોગી આદિત્યનાથને કર્મ યોગી ગણાવ્યા તો બીજીબાજુ પીએમ મોદીના વખાણ કરતાં કહ્યું કે તેમના ઇઝ ઓફ લિવિંગથી પોતાને પ્રેરિત ગણાવ્યા. અંબાણીએ જિયોના પ્લેટફોર્મથી આવતા ત્રણ વર્ષમાં યુપીમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ૨૦૧૮ના અંત સુધીમાં જિયો યુપીના દરેક ગામ સુધી પહોંચી જશે. યુપી સરકારે ઇન્વેસ્ટર્સ સમિટના માધ્યમથી ઉત્ત્।રપ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં અંદાજે ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્યાંક મૂકયો છે. સમિટના માધ્યમથી પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં અંદાજે ૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. આ સિવાય હેલ્થકેર સેકટર અને પાવર સેકટરમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું જયારે આઇટી સેકટરમાં ૨૬૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્યાંક મૂકાયો છે.

સમિટમાં ૧૦૦થી વધુ કંપનીઓના સ્ટોલ પણ લાગ્યા છે. બે દિવની આ ઇવેન્ટમાં ૫૦૦૦થી વધુ મહેમાનો સામેલ થયાની આશા છે. ઇવેન્ટમાં અંદાજે ૧૦૦ વકતા પોતાની વાત કરશે. લખનઉમાં થનાર ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા માટે કેન્દ્ર સરકારના ૧૮ મંત્રી પણ બુધવારના રોજ સવારે લખનઉ પહોંચી ચૂકયા હતા. જિલ્લા વહીવટી તંત્રને મળેલ પ્રોટોકોલના મતે સમારંભમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, નિતિન ગડકરી, ગિરિરાજ સિંહ, મનોજ સિંહા, હરસિમરત કૌર બાદલ, રાજકુમાર સિંહ, સ્મૃતિ ઇરાની, અનુપ્રિયા પટેલ, રશ્મિ વર્મા, ડો.મહેશ શર્મા અને ગૃહમંત્રી રાજનાથ સિંહ લખનઉ પહોંચ્યા હતા.

આ પ્રસંગે તેમણે કહ્યું કે, ઉત્ત્।રપ્રદેશ આખા દેશનું ગ્રોથ એન્જિન બની શકે છે. અહીંયા સંસાધનોની અછત નથી. પહેલાની અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. યોગી આદિત્યનાથ અહીંયા પરિવર્તન લાવી રહ્યા છે. મોદીએ જણાવ્યું કે બજેટમાં દેશના બે ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાનો ઉલ્લેખ હતો, તેમાંથી એક આ રાજયમાં બનશે. તેનાથી ૨.૫ લાખ લોકોને રોજગારી મળશે. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત ઘણા ઉદ્યોગપતિઓ સામેલ થયા. પહેલા દિવસે અહીંયા ૧૦૪૫ એમઓયુ સાઇન થયા. ૪ લાખ ૨૮ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

(4:14 pm IST)