Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

BoBએ રોટોમેકના વિક્રમ કોઠારીને આપેલા ૪૩૫ કરોડ ડૂબી ગયા

૩ વર્ષે બેંક દોડી સીબીઆઇ પાસે : બેંકને લાગ્યું કે નિરવ મોદીની જેમ કોઠારી પણ ભાગી જશે તો

નવી દિલ્હી તા. ૨૧ : બેંક ઓફ બરોડાએ રોટોમેક ગ્લોબલના માલિક વિક્રમ કોઠારીને રૂપિયા ૪૩૫ કરોડની લોન આપી હતી. આ લોન તેણે ભરપાઈ નહીં કરતાં ઓકટોબર ૨૦૧૫માં બેંકે તેને નોન પફાર્િેર્મંગ એસેટ તરીકે નાખી દીધી હતી. જયારે ડિસેમ્બર ૨૦૧૭માં તેને ફ્રોડ તરીકે લેખાવી હતી. હવે જયારે નિરવ મોદીના મામલે પંજાબ નેશનલ બેંક પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે બેંક ઓફ બરોડાના અધિકારીઓ સીબીઆઇ પાસે દોડી ગયા છે અને કોઠારી વિરૂદ્ઘના મામલે તેમનો કેસ પણ રજૂ કરી રહ્યા છે.

નિરવ મોદીના કેસમાં કંઈક એવું બન્યું કે હજારો કરોડો રૂપિયા એકસપોર્ટ ઓર્ડર માટે ભારતથી હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા. બહાનું હતું કાજુ, કઠોળ અને ચોખા ખરીદવાનું પણ આ નાણાં વિદેશોમાં ૫૯ એકાઉન્ટમાં જમા થઈ ગયા અને ભારતમાં કશું આવ્યું જ નહીં. જયારે બેન્ક ઓફ બરોડાના કેસમાં પણ આવી રીતે જ મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે સીબીઆઇએ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર એસ. કે. ગર્ગ અને ફોરેકસ ડિવિઝનના હેડ જૈનિશ દુબેની ધરપકડ કરી હતી. રોટોમેકના કેસમાં બેન્ક ઓફ બરોડાએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં બેથી ત્રણ વર્ષનો વિલંબ કરી દીધો અને હવે પૈસા ડૂબી જ જશે તેવો અહેસાસ થતાં સીબીઆઇ સમક્ષ પહોંચી ગઈ છે.

અન્ય છ બેંકો સાથે મળીને બીઓબી દ્વારા રવિવારે સીબીઆઇને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફ્રોડ કેસમાં આ એકાઉન્ટની અમાઉન્ટ બહુ ઊંચી છે એટલે અમને એવી ભીતિ છે કે આ કંપનીના ડિરેકટર અને ગેરંટર કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે દેશ છોડીને ભાગી જઈ શકે છે. જનતાના પૈસાનો સવાલ છે અને જો તેઓ ભાગી જશે તો આખો મામલો આંતરરાષ્ટ્રીય વિષય બની જશે, માટે રોટોમેટકના પ્રમોટર વિક્રમ કોઠારી તેની પત્ની સાધના કોઠારી અને પુત્ર રાહુલનો પાસપોર્ટ સીબીઆઇએ જપ્ત કરી લેવો જોઈએ.

તપાસકર્તાઓએ એવું કહ્યું હતું કે બેંક ઓફ બરોડાએ ૨૦૧૫માં આ લોન એકાઉન્ટ એનપીએ અથવા ડિસેમ્બર ૨૦૧૭માં ફ્રોડ તરીકે ગણ્યું ત્યારે જ અમારો સંપર્ક કરવાનો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને વિજિલન્સ કમિશનની ગાઇડલાઇન મુજબ આ પ્રકારના કેસની સીબીઆઇ, ઇડી સહિતની એજન્સીઓને તાત્કાલિક જાણ કરવાની હોય છે. ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવાનો શો મતલબ હોય છે તેવો સવાલ પણ તપાસકર્તા અધિકારીએ કર્યો હતો.

(3:35 pm IST)