Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

બેંક ડૂબી જાય તો તમારા પૈસાનું શું થાય?

માલ્યા અને નીરવ જેવાના કારણે બેંક જ દેવાળુ ફૂંકે તો તમારા પૈસાનું શું?

નવી દિલ્હી, તા.૨૧ : દેશમાં વિજય માલ્યા બાદ નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા લોકો દેશની બેંકોને લુંટીને વિદેશ ભાગી જતા કોઈને પણ બેંકમાં પોતાના પૈસા સુરક્ષિત છે કે નહીં તેવો પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે. તો ચાલો જાણીએ કે આ સ્થિતિમાં શું થાય તમારા પૈસાનું?

જો તમારી બેંકમાં પણ PNB જેવો ગોટાળો થઈ જાય અને દિવાળું કાઢે તેમ છતાં પણ શું પૈસા સુરક્ષિત રહે કે નહીં તે અંગે નિષ્ણાંતો પાસેથી માહિતી મેળવી હતી.આપણા દેશના બેંકિંગ સેકટરમાં બે પ્રકારની બેંક છે. સરકારી અને પ્રાઈવેટ, દેશના ૬૩ ટકા લોકોના પૈસા સરકારી બેંકોમાં જમા છે. જયારે માત્ર ૧૮ ટકા લોકોએ પ્રાઈવેટ બેંકમાં પોતાના પૈસા જમા કર્યા છે. અત્યાર સુધી એવો કોઈ મામલો પ્રકાશમાં આવ્યો નથી કે જેમાં કોઇ બેંકે દિવાળું ફૂંકયું હોય. જો તમારા પૈસા સરકારી બેંકમાં હોય તો તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તે પૈસાની સંપૂર્ણ જવાબદારી સરકારની હોય છે.

તો અત્યાર સુધી કોઈ પ્રાઈવેટ બેંક પણ ડુબી નથી. જેથી કહી શકાય કે પ્રાઈવેટ બેંકમાં પણ પૈસા સુરક્ષિત તો છે જ, છતાં પણ જયારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય ત્યારે બેંકને શોર્ટ નોટિસ પર રિકવરીનો ટાઈમ આપવામાં આવે છે. તેમજ નવા નિયમો મુજબ બેંકોએ પોતાની પાસે એટલા પૈસા રિઝર્વ રાખવાના હોય છે કે તે કસ્ટમરને તેના પૈસા પરત કરી શકે. આ ઉપરાંત જો કોઈ બેંકની સ્થિતિ નાજુક હોય તો રિઝર્વ બેંક પણ તેને સપોર્ટ કરે છે.

આ તમને નહીં ખબર હોય પરંતુ જેવું તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવો કે તેનો એક ઇન્શોરન્સ પણ જનરેટ થાય છે. એટલે તમારા પૈસાની સેફટી માટે બેંક ઈન્શ્યોરન્સ પણ લે છે. આ માટે ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) કવર આપે છે. જે માટે બેંકે પ્રીમયમ ભરવાનું હોય છે.

ભારતની લગભગ તમામ સરકારી અને પ્રાઈવેટ બેંકોએ આ ઈન્શ્યોરન્સ લીધો છે. જોકે DICGC કોઈ પણ ગ્રાહકના માત્ર ૧ લાખ રૂપિયાને ઈન્શ્યોર્ડ કરે છે. તમારા ખાતામાં તેનાથી વધુ રૂપિયા હોય તો તેના પર કોઈ ઈન્શ્યોરન્સ લાભ મળતો નથી. એટલે કે એક લાખ રૂપિયાથી જેટલા પણ વધુ પૈસા છે. તેની જવાબદારી DICGC લેતું નથી.

ઉલ્લેખનીય છે કે DICGCને ૧૯૬૧માં બનાવવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી કોઈ પણ બેંક ડૂબી હોય કે દેવાદાર બની હોય તેવું બન્યું નથી. માટે ચિંતા કરવાની જરૂર નથી બેંકમાં તમારા પૈસા સેફ જ રહે છે.

(11:23 am IST)