Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

હવે ૧૦ને બદલે ૧૩ આંકડાનો થશે તમારો મોબાઈલ નંબર

૧લી જુલાઈથી તમે મોબાઈલ નંબર લેશો તો ૧૦ને બદલે ૧૩ અંકોનો મળશેઃ ઓકટોબર ૨૦૧૮થી અત્યારના : તમામ ૧૦ અંકોવાળા મોબાઈલ નંબર ૧૩ અંકોવાળા નંબરમાં માઈગ્રેટ થશેઃ ૩૧ ડીસેમ્બર સુધીમાં પ્રક્રિયા પુરી કરાશેઃ જો કે વધુ ૩ આંકડા આગળ લાગશે કે પાછળ લાગશે એ હજુ નક્કી નથીઃ મોબાઈલ કંપનીઓને પણ સોફટવેર બદલવા જણાવી દેવાયું: ડીઓટીએ લીધો નંબર બદલવાનો નિર્ણયઃ ૧૦ના અંકોમાં હવે જગ્યા બચી નથી

નવી દિલ્હી, તા. ૨૧ :. ૧લી જુલાઈ ૨૦૧૮ બાદ તમે નવો મોબાઈલ નંબર લેશો તો તમને ૧૦ને બદલે ૧૩ આંકડાનો મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે તમામ રાજ્યોને આ બારામાં નિર્દેશો જારી કરી દીધા છે. બીએસએનએલે પણ આ અંગેની તૈયારી શરૂ કરી દીધી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાછલા દિવસોમાં દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં જણાવાયુ હતુ કે, ૧૦ અંકોના લેવલમાં હવે નવા મોબાઈલ નંબરની  શકયતા રહી નથી. આ કારણે ૧૦ થી વધુ અંકોની સીરીઝ શરૂ કરવામાં આવે અને બાદમાં તમામ મોબાઈલ નંબરોને ૧૩ અંકોના કરી દેવામાં આવે.

આ બારામાં તમામ સર્કલની દૂરસંચાર સેવા પ્રદાતા કંપનીઓને તેને લાગુ કરવાના નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે કે તેઓ પોતાની સીસ્ટમ-એ અનુસાર અપડેટ કરી લે. બીએસએનએલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીસેમ્બર ૧૮ સુધીમાં જૂના નંબર પણ આ પ્રક્રિયા હેઠળ અપડેટ થઈ જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે ચાલી રહેલા ૧૦ અંકોના મોબાઈલ નંબરોને ઓકટોબરથી ૧૩ અંકો અનુસાર અપડેટ કરવાનું શરૂ કરવામાં આવશે. આ કામ ૩૧ ડીસેમ્બર સુધીમાં પુરૂ કરવાનું રહેશે. જો કે અત્યારે એ નક્કી નથી કે, અત્યારે ચાલી રહેલા મોબાઈલ નંબરોમાં ફેરફારો કઈ રીતે કરવામાં આવશે. નંબરમાં ૩ ડીજીટ આગળ લાગશે કે પાછળ લાગશે ? તે નક્કી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોબાઈલ હેન્ડસેટ બનાવતી કંપનીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના સોફટવેરને પણ ૧૩ અંકોના મોબાઈલ નંબર અનુસાર અપડેટ કરી લે કે તેથી ગ્રાહકોને પરેશાની ન થાય.

બીએસએનએલે એક પરીપત્ર જારી કરી જણાવ્યુ છે કે, તમામ નવા મોબાઈલ નંબરો ૧૩ અંકોના થશે. આ નવો ફેંસલો મોબાઈલ ટુ મોબાઈલ કોમ્યુનીકેશન માટે લાગુ કરવામાં આવશે. ડીઓટીના જણાવ્યા પ્રમાણે વર્તમાન તમામ ૧૦ અંકોવાળા મોબાઈલ નંબર ૧લી ઓકટોબર ૨૦૧૮થી ૧૩ અંકોવાળા મોબાઈલ નંબરમાં માઈગ્રેટ થવાનુ શરૂ થશે. આ પ્રક્રિયા ૩૧ ડીસેમ્બર સુધીમાં પુરી કરવાની રહેશે.(૨-૫)

(10:27 am IST)