Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

૮ લાખથી વધુ જનધન ખાતાઓ બંધ કરશે બેન્કો

જે લોકોએ ૩ થી ૪ ખાતાઓ ખોલાવ્યા છે તેમના પર તવાઈઃ બેન્ક ખાતાઓને આધાર સાથે લીન્ક કરાતા થયો ખુલાસોઃ નોટબંધી દરમિયાન ઘાલમેલ થઈ હતી

નવી દિલ્હી, તા. ૨૧ :. જે લોકોએ જનધન યોજના હેઠળ એકથી વધુ બેન્ક ખાતા ખોલ્યા છે. તેમના ખાતા હવે તપાસ હેઠળ આવશે. નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યુ છે કે, સરકારે બેન્કોને કહ્યુ છે કે, જે લોકોએ જનધન યોજના હેઠળ એકથી વધુ બેન્ક ખાતા ખોલાવ્યા છે તેમની તપાસ થવી જોઈએ. જાણવામાં આવશે કે, શું નોટબંધી દરમિયાન આ ખાતાઓનો દૂરૂપયોગ તો નહોતો થયોને ?

 

હવે બેન્કો જનધન હેઠળ ખોલવામાં આવેલા બેન્ક ખાતાઓમાંથી ૮ લાખ બેન્ક ખાતાઓ બંધ કરવા જઈ રહી છે. આની માહિતી બેન્કોએ નાણા મંત્રાલય અને રીઝર્વ બેન્કને આપી દીધી છે. બેન્કોએ જણાવ્યુ છે કે, જનધન હેઠળ કેટલાક લોકોએ ૩ અને ૪ બેન્ક ખાતાઓ ખોલાવ્યા છે. આ ખાતાઓને આધાર સાથે લીન્ક કરવામાં આવતા આ બાબતનો ખુલાસો થયો છે. આવા ખાતાઓની સંખ્યા ૮ લાખ છે.

આવા ખાતાઓમાં બેલેન્સ શૂન્ય છે તેથી આ ખાતા બંધ કરવા જરૂરી છે. જનધન હેઠળ અત્યારે ૨૬ કરોડ બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા તેવો રેકોર્ડ છે. જેને આધાર સાથે લીન્ક કરવાનું કામ ચાલુ છે. નોટબંધી બાદ સરકારને આશંકા હતી કે મોટાપાયે જનધન ખાતાઓનો દૂરૂપયોગ કરવામાં આવ્યો છે. તેવા મામલા પણ સામે આવ્યા છે કે, નોટબંધી દરમિયાન શૂન્ય બેલેન્સવાળા ખાતાઓમાં અચાનક મોટી રકમ જમા કરવામાં આવી હતી અને પછી ઉપાડી લેવામાં આવી હતી.(૨-૪)

(10:16 am IST)