Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પ્રધાનમંત્રી જન ધન યોજનાના ખાતાધારકને વધુ એક સુવિધાઃ બેલેન્‍સ ન હોય તો પણ 10 હજાર સુધીની રકમ ઉપાડી શકાય અને ‘રૂપે' ડેબિટ કાર્ડની સગવડ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ પર બેન્ક ખાતાની સંખ્યા 41 કરોડને પાર ગઈ છે. PMJDY હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓમાં ખાતાધારકોને અનેક સગવડ મળે છે. જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે 10 હજાર રૂપિયા સુધીની રકમ ઉપાડી શકો છો. આ ઉપરાંત રૂપે ડેબિટ કાર્ડની સગવડ પણ મળે છે. જેનાથી તમે ખાતામાંથી પૈસા કાઢી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

પ્રધાનમંત્રી જનધન યોજના સાથે જોડાઈને 41 કરોડથી વધુ લોકો તેનો લાભ લીધો છે. નાણા મંત્રાલયના જણાવ્યાં મુજબ આ યોજના હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધીમાં જન ધન ખાતાની કુલ સંખ્યા 41.6 કરોડ થઈ ગઈ છે. મંત્રાલયે સોશિયલ મીડિયા દ્વારા આપેલી જાણકારીમાં જણાવ્યું કે ઝીરો બેલેન્સવાળા એકાઉન્ટની સંખ્યા ઓછી થઈ છે.

અત્રે જણાવવાનું કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વતંત્રતા દિવસના અવસરે જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે જ વર્ષે 26 ઓગસ્ટના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધીમાં જન ધન ખાતાઓની કુલ સંખ્યા 41.6 કરોડ થઈ ગઈ. સરકારે 2018માં વધુ સગવડો તથા ફાયદા સાથે આ યોજનાની બીજી શ્રેણી શરૂ કરી હતી.

મંત્રાલયના જણાવ્યા મુજબ 2015 બાદથી સતત ઝીરો બેલેન્સવાળા ખાતાની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. માર્ચ 2015માં 58% ખાતા આવા હતા, જેમાં બેલેન્સ નહતું પરંતુ 6 જાન્યુઆરીના રોજ તે ઓછા થઈને 7.5% પર આવી ગયા.

કોરોના કાળમાં જન ધન બેન્ક ખાતા ખોલાવનારાની સંખ્યા વધી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ કોરોના મહામારી વખતે જન ધન ખાતા ઓપનિંગના દરમાં 60% વધારો નોંધાયો છે. 1 એપ્રિલથી 14 ઓક્ટોબર વચ્ચે લગભગ 3 કરોડ નવા ખાતા ખુલ્યા, અને તેમાં 11600 કરોડ રૂપિયા જેટલા ડિપોઝીટ રહ્યા. 

મળે છે અનેક સગવડ

- જનધન ખાતા યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું પણ ખાતું ખોલાવી શકાય છે.

- આ યોજના હેઠળ ખાતું ખોલાવો તો તમને રૂપે એટીએમ કાર્ડ, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, 30 હજાર રૂપિયાનું લાઈફ કવર, અને જમા રકમ પર વ્યાજ મળે છે.

- તમને આ ખાતા ખોલાવવા પર 10 હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની પણ સગવડ મળે છે.

- આ એકાઉન્ટ કોઈ પણ બેન્કમાં ખોલાવી શકાય છે.

- આ એકાઉન્ટમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવું પડતું નથી.

(5:18 pm IST)