Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ખેડૂત આંદોલનઃ દિલ્હી-NCRમાં પ૦ હજાર કરોડના વેપારને ઝટકો

વેપારીઓની સ્થિતિ ચિંતાજનક

નવી દિલ્હી તા. ર૧ :.. છેલ્લા પ૭ દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનથી દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં વેપારીઓને અંદાજે પ૦ હજાર કરોડનું નુકશાન થયું છે. એવા સમયે જયારે કોરોના મહામારીને કારણે તબાહ થયેલો વેપાર પાટા પર ચડી રહ્યો છે. ખેડૂતોના આંદોલનથી થઇ રહેલું નુકશાન વેપારીઓ માટે અત્યંત ચિંતાજનક છે. સીએઆઇટીએ વાત કહી છે. જે ન્યાય સંગત અને યોગ્ય છે તેથી હવે ખેડૂતોએ લોકોના હિતોને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવને સ્વીકાર કરવો જોઇએ અને આંદોલન પાછું ખેંચી લેવું જોઇએ.

કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિન ખંડેલવાલે કહયું કે જો હવે પણ ખેડૂત સરકારનાં પ્રસ્તાવનો સ્વીકાર કરશે નહી તો તે માનવામાં આવશે કે આ સમાધાનમાં રસ રાખતા નથી અને કેટલીક વિભાજકારી તાકતો સમસ્યાઓ યથાવત રાખવા માટે ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે.

ખંડેલવાલે કહયું કે કૃષિ કાયદો એકલો ખેડૂતો સાથે જોડાયેલો નથી દેશભરમાં અંદાજે ૧.રપ કરોડ વેપારી મંડીઓમાં કામ કરી રહ્યા છે. આ વેપારી કિસાનોને પાક વેચવામાં તેમજ તેની જરૂરીયાતના સમયે તેમની અનેક પ્રકારે મદદ પણ કરે છે. આ વેપારી ૪ કરોડથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગાર પ્રદાન કરે છે એવામાં આ મોટી સંખ્યામાં લોકોની આજીવિકાનું શું થશે? આ લોકોના હિતોને પણ સંરક્ષીત કરવાની જરૂરીયાત છે.

(4:05 pm IST)