Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

હજારો લોકોની હાડમારીનો અંતઃ આમ્રપાલી અંડરબ્રિજ ખુલ્લો મુકાયો

અંડરબ્રિજનું ખાતમુહૂર્ત પણ વિજયભાઇએ જ કર્યુ અને લોકાર્પણ પણ તેમના હસ્તે જ થયુઃ અંડરબ્રિજ ખુલ્લો મુકાતા સમગ્ર રાજકોટવાસીઓમાં અનોખો રોમાંચ :દિવસમાં અનેક વખત ટ્રેન પસાર થવાના કારણે ફાટક બંધ રહેતા વાહનોની લાંબી-લાંબી લાઇનો લાગતી તેનો હવે અંતઃ બ્રિજના નિર્માણ દરમિયાન ફરી-ફરીને જવાની મુશ્કેલીઓનો પણ અંતઃ કોર્પોરેશન દ્વારા ૨૫ કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણઃ નિર્ધારીત તારીખ કરતા વહેલો બન્યો

આતુરતાનો અંતઃ  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨૫.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે નિમાર્ણ પામેલ અન્ડરબ્રિજ વિજયભાઇ રૂપાણી દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે અજંલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી તથા નીતીનભાઇ ભારદ્વાજ, પુર્વ મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા રાજુભાઇ ધ્રુવ તથા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિતનાં અધિકારીઓ-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : શહેરજનો માટે અને ખાસ કરી રૈયા રોડ વિસ્તાર માટે અત્યંત મહત્વાકાંક્ષી એવા આમ્રપાલી ફાટકે  રૂ.૨૫ કરોડનાં ખર્ચે માત્ર ૧૪ મહિનામાં તૈયાર થયેલ અંડરબ્રીજનું લોકાર્પણ આજે સવારે મુખ્ય મંત્રી વિજયભાઇનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.

 ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી.આ કામનું ખાતમુર્હૂત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તા.૯ નવેમ્બર ૨૦૧૯નાં કરવામાં આવ્યુ હતુ.

 આ અન્ડરબ્રીજમાં બંને બાજુ ૪.૫ મીટર સર્વિસ રોડ, ૬.૬૦ મીટરનો બંને બાજુ બોકસની અંદર કેરેજ-વે, ૬.૭૫ મીટરનો બોકસની બહાર બોકસને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-૧ (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (RMC સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આમ્રપાલી અન્ડરબ્રીજમાં પાણીના નિકાલની તેમજ અન્ય પાણી બ્રિજમાં ન આવે તેવી વ્યવસ્થા રેલ્વે દ્વારા કરવામાં આવી છે. સમયસર કામગીરી પૂર્ણ કરી શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

અત્રે નોંધનીય છે કે કોરોના કાળના લોકડાઉનને કારણે ટ્રેનો બંધ રહેલ અને તે સમયગાળાનો લાભ લઇ રેલવે તંત્ર દ્વારા પૂરજોશમાં અન્ડરબ્રીજનું કામ ચાલુ રખાતા કામ પૂર્ણ થવાની નિયત મુદ્દત કરતા વહેલું આ કામ પૂર્ણ થઇ ગયું છે. અંદાજે ૨૫ કરોડના ખર્ચે આ બ્રીજનું નિર્માણ થયું છે.

મુખ્યમંત્રીએ રાજકોટનું ઋણ ઉતાર્યુઃ અધધધ ૫૭૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

   કેકેવી ચોક ખાતે ૧૨૯ કરોડના ખર્ચે બનનાર સેકન્ડ લેવલ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત

   જડ્ડુસ પાસે ૨૮.૫૨ કરોડના ખર્ચે બનનાર ફલાય ઓવરબ્રિજનું ખાતુમુહૂર્ત

   નાના મૌવા ચોક ખાતે ૪૧.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્પ્લીટ ફલાય ઓવરબ્રિજનું ખાતુમુહૂર્ત

   રામદેવ પીર ચોકડી ખાતે ૪૦.૨૨ કરોડના ખર્ચે બનનાર ફલાય ઓવરબ્રિજનું ખાતુમુહૂર્ત

   રાહત દરની પંચનાથ હોસ્પિટલનું લોકાર્પણ

   જિલ્લા ગાર્ડન, કોઠારીયા, વાવડી સહિતના વિસ્તારોમાં ઇએસઆર-જીએસઆર (પાણીના ટાંકા)નું લોકાર્પણ

         રૂડા અને પોલીસ તંત્ર તથા કલેકટર તંત્રના વિવિધ વિકાસકામોને લીલીઝંડી આપી

(3:06 pm IST)