Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ફલાઇટો પરથી પ્રતિબંધો હટાવવા ઇચ્છે છે સરકાર

પણ કંપનીએ તેના માટે નથી તૈયાર

નવી દિલ્હી, તા.૨૧: મહામારીના લીધે વિમાન કંપનીઓના ઉડ્ડયનો પર મુકાયેલ પ્રતિબંધો હટાવવા અને તેને સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડ્ડયન કરવાની પરવાનગી આપવાનો સરકારનો ઇરદો દેખાઇ રહ્યો છે. સુત્રોએ જણાવ્યું કે સરકાર આ બાબતે ચર્ચા કરી રહી છે. પણ વિમાન કંપનીઓ સરકારને હાલમાં એવું ન કરવા કહી રહી છે. મુસાફરોની સંખ્યા વધતી નથી દેખાઇ રહી એટલે સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડ્ડયન કરવાનું કંપનીઓ માટે ખોટનો સોદો બને તેમ છે.

અત્યારે એરલાઇન્સોને કોવિદ પહેલાની પરિચાલન ક્ષમતાની ૮૦ ગકા ક્ષમતા પર કામ કરવાની પરવાનથી આપવામાં આવી છે પણ ઇન્ડીગો સિવાયની કોઇપણ કંપની ૭૦ ટકા ક્ષમતાએ પણ કામ નથી કરી શકતી. લોકડાઉનના કારણે બે મહિના પરિચાલન બંધ રહ્યા પછી ૨૫ મેથી ઘરેલુ ઉડ્ડયનોને પરવાનગી અપાઇ છે.

એક સરકારી અધિકારીએ કહ્યું કે સરકાર સામાન્ય સ્થિતી બહાલ કરવા ઇચ્છે છે અને તેથી જ જાન્યુઆરીમાં ઉડ્ડયનોની ક્ષમતા પર મૂકાયેલ પ્રતિબંધો હટાવવા માટે સૂચનો માંગવામાં આવી રહ્યા છે. પણ ઇન્ડીગો સીવાયની બધી વિમાની કંપનીઓનું કહેવું છે કે ક્ષમતા વધારવાનો નિર્ણય માર્ચ સુધી ટાળો જોઇએ કેમ કે આગામી ત્રણ મહિના માટે ટીકીટોનું બુકીંગ બહુ ઓછું છે.

ઇન્ડીગો પાસે ૨૬૫ વિમાનો છે અને તે ક્ષમતા વધારવા માંગે છે. તે સરકાર પાસે સતત માંગણી કરી રહી છે કે ઉડ્ડયનોનો ક્ષમતા અને ભાડા પરના પ્રતિબંધો હટાવી દેવાય. આંતરરાષ્ટ્રીય ફલાઇટો પર પ્રતિબંધના કારણે એરલાઇન્સોએ ઘરેલુ પરિચાલન વધારવાની જરૂર છે. આવું ન થાય તો વિમાનો એમને એમ પડી રહેવાના કારણે પડતર કિંમત વધવાનું જોખમ છે. ડીસેમ્બરમાં ઇન્ડીગોએ કોવિડ પહેલાની સરખામણીમાં લગભગ ૭૮ ટકા વિમાનોને પરિચાલનમાં લગાવ્યા હતા.

ઇન્ડીગોના સીઇઓ રણજય દત્તાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે કેટલાય પ્રતિબંધો સાથે કામ કરી રહ્યા છીએ. આપણે જેમ બને તેમ જલ્દી ખુલી અને આઝાદ દુનિયામાં પાછું ફરવું જોઇએ. પણ તેની હરીફ કંપનીઓ સ્પાઇસ જેટ, ગો ેઅર અને એર એશિયા ઇન્ડીયાએ સરકારને કહ્યું છે કે ભાડુ અને ઉડ્ડયન ક્ષમતા પરના પ્રતિબંધો હટાવી લેવાથી ઇન્ડીગોનો ધંધો વધશે અને તેમની ખોટ પણ વધશે. એક સીઇઓએ તો ત્યાં સુધી કહ્યું કે વિમાની કંપનીઓને નાદાર થવાની નોબત પણ આવી શકે છે.

(10:30 am IST)