Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૩ થી ૧૨ના વિદ્યાર્થીઓની સાપ્તાહિક કસોટી વોટ્સએપ બેઝ્ડ લેવાશે

વિદ્યાર્થીઓ મોબાઇલમાં જ સ્વમૂલ્યાંકન કરી શકે તેવી વ્યવસ્થા : એકમ કસોટી માટે શિક્ષણ વિભાગે વોટ્સએપ નંબર જાહેર કર્યો

અમદાવાદ તા. ૨૧ : ધોરણ. ૩થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્સઅપ બેઈઝડ કસોટી લેવાની સુવિધા ઉભી કરી છે. જેના માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર પર વિદ્યાર્થીઓએ એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ દર અઠવાડીયે વિદ્યાર્થી પોતાનુ સ્વ મુલ્યાંકન કરી શકશે. પ્રથમ તબક્કામાં આગામી ૨૩મી જાન્યુઆરીના રોજ ધોરણ.૩થી ૫ના વિદ્યાર્થીની કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ દર અઠવાડીયે આ કસોટી લેવાશે.

૨૩મી જાન્યુઆરીએ યોજાનારી વોટ્સએપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થતાં ધોરણ.૩થી ૮ના વિષય વસ્તુ આધારીત અને ધોરણ.૯થી ૧૨ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના લાઈવ કલાસિસના વિષય વસ્તુ આધારીત બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે. વોટ્સએપ પર પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તરત જ  તેનું  પરિણામ આવી જશે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલ '૮૫૯૫૫૨૪૫૨૩'નંબર વિદ્યાર્થીઓએ સેવ કરી ફકત હેલો લખશે તો કિવક રિપ્લાય મળશે. ત્યારબાદ વિદ્યાર્થીએ શાળાનો યુડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. જેથી સામેથી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની ધોરણની વિગતો આપવાની રહેશે.

ત્યાર બાદ નામની ખરાઈ કરતા નોંધણી થઈ હોવાનો રિપ્લાય આવશે. ત્યારબાદ વિદ્યાર્થી વોટ્સએપ પર પરીક્ષા આપી શકશે. ૧૦ પ્રશ્નોના જવાબ આપી દીધા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે અને સાચા જવાબની એક ફાઈલ પણ મોકલાશે. જેમાં વિદ્યાર્થીને કચાશ જણાશે તે મુદ્દાની લીંક પણ મોકલાશે.

(10:10 am IST)