Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

કેનેડામાં રહેતી બોરસદની યુવતિની લાશ મળ્યા બાદ તેમાં સંડોવાયેલા તેના પતિનો પણ મૃતદેહ મળતા ખળભળાટ

આણંદ : 13 જાન્યુઆરીએ પામોલની હિરલ પટેલની કેનેડામાંથી કચડાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હાલમાં પોલીસને નોર્થ એટોબિકોકની જનરલ હોસ્પિટલ પાસેથી કારમાંથી એક વ્યક્તિની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા આ લાશ હિરલના પૂર્વ પતિ રાકેશની હોવાનું સામે આવ્યું છે. હિરલની હત્યા પાછળ તેના પૂર્વ પતિ રાકેશનો હાથ હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. હિરલની લાશ મળ્યા બાદથી રાકેશ ફરાર હતો. પોલીસ દ્વારા હિરલનાં મોત બાદ રાકેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની વિગતો જોઈએ તો કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક યુવતી હિરલ પટેલ બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હિરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હિરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે. 11 જાન્યુઆરીએ નોકરીએ ગયેલી હિરલ પરત ન ફરતાં તેના ભાઈએ ટોરેન્ટો પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરતાં ગુમશુદા હિરલનો મૃતદેહ ખાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હિરલનો મૃતદેહ અકસ્માતગ્રસ્ત કારમાં કચડાઈ ગયેલી હાલતમાં હતો. જે સંદર્ભે ટોરન્ટો પોલીસ તપાસ ચાલી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે, હિરલને તેના સાસરિયાઓ સાથે અણબનાવ હતો. તેના સાસરિયા તેને બહુ જ ત્રાસ આપતા હતા. તેથી તેઓએ જ તેની હત્યા કરાવી હોઈ શકે તેવો હિરલના માતાપિતાએ આક્ષેપ લગાવ્યો છે. આ પછી ટોરેન્ટ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

(4:57 pm IST)