Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

CAA વિરોધ : સુપ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાની દીકરીઓ સામે કેસ દાખલ : અખિલેશની દીકરી પણ વિરોધમાં જોડાઈ

મુનવ્વર રાણાની દીકરી સુમૈયા અને ફૌજિયા પર કલમ 144ના ઉલ્લંઘન સહિતની કલમ લગાડાઇ

લખનઉ : ઉત્તર પ્રદેશના લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં ઐતિહાસિક હુસૈનાબાદ ઘંટાઘર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ઠાકુરગંજ પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. એફઆઈઆરમાં 20 મહિલાઓને આરોપી બતાવવામાં આવી છે. જેમાં જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 મુનવ્વર રાણાની દીકરી સુમૈયા અને ફૌજિયા પર કલમ 144ના ઉલ્લંઘન અને સરકારી કર્મચારી પર હુમલો કરવાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ ઘંટાઘર ખાતે થઈ રહેલા પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની દીકરી ટીના યાદવ પણ જોડાઈ છે. દેખવામાં મહિલાઓ સાથે બાળકો પણ સામેલ હતા
સીએએ અને એનઆરસીના વિરોધમાં જૂના લખનઉમાં મહિલાઓનું પ્રદર્શન શરૂ થયું છે. હકીકતમાં ખુલ્લા આકાશ નીચે ગત શુક્રવારથી મોટી સંખ્યામાં અહીં મહિલાઓ દિલ્હીના શાહીન બાગ જેવું વિરોધ પ્રદર્શન ઘંટાઘર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ પ્રદર્શનમાં બાળકો પણ સામેલ થયા છે. આ મહિલાઓનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી સીએએ અને એનઆરસીને પરત નહીં લે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
  આ પહેલા દેખાવ કરી રહેલી મહિલાઓએ આક્ષેપ લગાવ્યો કે ખૂબ ઠંડી હોવા છતાં શનિવારે મોડી રાત્રે તેમના ધાબળા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જોકે, પોલીસે એક નિવેદન બહાર પાડીને આ વાતને રદીયો આપ્યો છે. પોલીસનું કહેવું છે કે કોઈ સામાજિક સંસ્થા આ મહિલાઓને ધાબળા આપી રહી હતી, આ દરમિયાન જે લોકો દેખાવમાં સામેલ ન હતાં તેઓ પણ અહીં પહોંચી ગયા હતા. ભીડ અને અફરાતફરીને રોકવા માટે ત્યાંથી ધાબળા હટાવી લેવાયા હતા.

(1:20 pm IST)