Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પંજાબ-હરિયાણા-યુપીમાં ધુમ્મસ છવાયુઃ કાશ્મીરમાં રસ્તાઓ ઉપર બરફ જામ્યોઃ ૪૮ કલાકમાં મધ્યમ વરસાદ કે બરફવર્ષાનું અનુમાન

હિમાચલના કેલોંગમાં માઇનસ ૧૪.૪ ડિગ્રી : પહેલગાવમાં માઇનસ ૯: રાજસ્થાનમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો

નવી દિલ્હીઃ દેશના ઉત્તરી ભાગોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પંજાબ હરીયાણા અને ઉત્તરપ્રદેશ જયા ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. ત્યાં બીજી તરફ કાશ્મીર ખીણ પ્રદેશમાં રસ્તાઓ ઉપર બરફ જામી ગયા છે. હિમાચલમાં હાડ થીજવતી ઠંડી લોકોને પરેશાન કરી રહી છે. અહિં તાપમાન શુન્યથી નિચે છે. જો કે દિલ્હીમાં વાદળ છવાયેલ રહેવાથી લધુતમ તાપમાનમાં થોડો વધારો નોંધાયો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ લધુતમ તાપમાન ૮.૩ ડિગ્રી નોંધાયેલ જયારે ગુરૂતમ તાપમાન ૧૬.૭ ડિગ્રી રહેલ. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજધાની દિલ્હીમાં સાંજે વરસાદ પડી શકે છે. કાશ્મીરમાં લોકોને ઠંડીથી રાહત મળે તેવી સંભાવના ન હોવાનું પણ હવામાન ખાતાએ જણાવેલ  કેમ કે લધુતમ તાપમાન શુન્યથી ઘણુ નીચે નોંધાયેલ. માઇનસ ડીગ્રી હોવાથી રસ્તાઓ ઉપર બરફના થર જામ્યા છે. જેથી વાહનવ્યવહાર ખોરવાયો છે.

શ્રીનગરમાં તાપમાન માઇનસ ૩.૪ ડિગ્રી અને દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડમાં માઇનસ પાંચ ડીગ્રી નોંધાયેલ. જયારે પહેલગામમાં માઇનસ ૯ ડિગ્રી તાપમાન રહેલ. હવામાન ખાતાએ આવતા બે દિવસમાં ખીણમાં મધ્યમ વરસાદ અથવા બરફવર્ષા થવાનું જણાવેલ.

હિમાચલ પ્રદેશમાં પણ તાપમાન સતત શુન્યથી નીચે નોંધાયું છે. શિમલા હવામાન કેન્દ્રના ડાયરેકટર મનમોહનસિંહના જણાવ્યા મુજબ ફુફરીમાં માઇનસ ૩, મનાલીમાં માઇનસ ૨.૮, જયારે કેલોંગમાં સૌથી નીચુ તાપમાન માઇનસ ૧૪.૪ ડિગ્રી નોંધાયેલ.

પંજાબ -હરીયાણાની રાજધાની ચંદીગઢમાં તાપમાન ૭.૩ ડિગ્રી રહેલ. પંજાબના અમૃતસર, લુધીયાણા, પાટીયાલામાં લધુતમ તાપમાન ક્રમશઃ ૭.૪, ૬.૯,૮.૧ ડીગ્રી નોંધાયેલ. હરીયાણાના અંબાલા, હિસાબ અને કરનાલમાં તાપમાન ક્રમશઃ ૭.૬, ૬.૫, અને ૮ ડિગ્રી નોંધાયેલ. જયારે ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક બની રહેલ.

રાજસ્થાનમાં રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયેલ. સીકર બે ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહેલ. હવામાન ખાતાના અનુમાન મુજબ આગામી ૨૪ કલાકમાં હવામાનમાં કોઇ ફેરફાર નહિ થાય.(૪૦.૫)

(1:18 pm IST)