Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ'માં શબ્દોના બાહુબલી જય વસાવડાનો વિજયનાદઃ 'જયકારા' સુપરહીટ

શેર-કેર એન્ડ જોય = જયકારા રાજકોટીયનોએ પીધી જીંદગીની જડીબુટ્ટી

જીવનમાં નેગેટીવીટી ન રાખો, જયકારા કરવા દરેક પાસે એક સ્ટ્રેન્થ હોય તેને પકડી લ્યો એટલે તમે જીંદગીમાં સફળ થઇ જાવ : જીંદગીનો જયકારા કરવા માટે આપ્યા ફોર-ડી ફોર્મ્યુલા (૧) ડ્રીમ (ર) ડેર (૩) ડેડીકેટ (૪) ડૂઃ પ્રેમપત્રમાં જોડણી શોધે એ શિક્ષક સારો થાય પરંતુ સારો પ્રેમી ન બની શકેઃ થિયરી અને પ્રેકટીકલનુ કોમ્બીનેશન કરવું જરૂરીઃ શનિવારની શિયાળાની થરથરતી રાત્રીના હુંફાળી લાગણી સાથે એક વર્ષના કોકટેલ દેશીથી મોજે ગુજરાતના સાક્ષીઓને આ વખતે જય વસાવડાના 'જયકારા' નો સાક્ષાત્કાર થયોઃ અઢી કલાકના અદભુત મોટીવેશનલ શોમાં ફેમીલી, કર્મચારી, વિદ્યાર્થી, ગૃહિણી, વડિલો અને યુવાનોને મુંઝવતા અસંખ્ય અટપટચા સવાલોના વાસ્તવિક અને અસરકારક જવાબો જય વસાવડાની હ્ય્દયસ્પર્શી વાતો સાથે નાટકીય મનોરંજન અને વિડીયો વિઝયુઅલ સાથે જોવા મળ્યાઃ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ હાઉસફૂલઃ તા.૧૮ જાન્યુઆરી, શનિવારની રાત્રિએ યોજાયો કાર્યક્રમ

શુભઆરંભઃ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગ્ટયઃ ભગવાન શ્રીકૃષ્ણ-અર્જુન સાથે સંવાદ સહિતના  દ્રશ્યો સાથે જીવનમર્મ સમજાવતા જય વસાવડાઃ દર્શકો મંત્રમુગ્ધઃ પ્રસિધ્ધ કટાર લેખક  જય વસાવડાનો મોટીવેશનલ શો ''જયકારા'' અકિલા ઇન્ડિયા ઇવેન્ટના પાયાના પત્થર શ્રી નિમિષભાઇ ગણાત્રા દ્વારા યોજાઇ ગયો. ઓડિયો વીઝયુલ અને મ્યુઝીકલ એવા આ અદભૂત શોનો શુભારંભ  અકિલા દૈનિકના મોભીઓ શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા પ્રસિધ્ધ વકતા સુશ્રી  નેહલબેન ગઢવી, બિલ્ડર અગ્રણી મુકેશભાઇ શેઠ, શો ના ડાયરેકરટ પ્રિતેશ સોઢા, જાણીતા લોહાણા અગ્રણી અને રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંત ચોટાઇ અકિલાની વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા વગેરે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્યથી થયો હતો તે વખતની તસ્વીર. આ તકે પ્રો. પરાગભાઇ દેવાણી સાથે રહ્યા હતા. જ્યારે અન્ય તસ્વીરોમાં જય વસાવડાએ જીવન જીવવાની કળા ફકત વકતવ્યથી નહીં પરંતુ સ્ટેજ ઉપર નાટ્ય રૂપાંતર સાથે અને ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન જેવા પાત્રો સાથે સંવાદ કરીને સચિત્ર રીતે સમજાવી હતી તે નજરે પડે છે. આ અનેરા કાર્યક્રમને એકીટશે હજારો દર્શકોએ મંત્રમુગ્ધ બનીને નિહાળ્યો હતો જે દર્શાય છે.

રાજકોટ : સાંપ્રત સમયમાં માણસ હતાશા, પીડા, માન-અપમાન જેવી અસંખ્ય વિટંબણાઓથી ઘેરાયેલો છે. ત્યારે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ' ના શ્રી નિમિષભાઇ ગણાત્રા દ્વારા આપણી ગુજરાતી સંસ્કૃતિને ધબકતી રાખવા ગુજરાતી થકી મેજીકલ મોટિવેશનલ  સ્પીકર જય વસાવડાનો અનોખો હ્ય્દયસ્પર્શી, ચોટદાર અને લોકોને  જીંદગીની જડીબુટ્ટી પીવડાવનારા શો 'જયકારા'નું અદભુત આયોજન કર્યુ હતુ.

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ'ના પાયના પથ્થરસમા અકિલા દૈનિકની વેબ એડિશનના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રાએ આજના યુવાનો ગુજરાતી ભાષાને વધુ ને વધુ પ્રેમ કરતા થાય અને યુવાનોની નવી ટેલેન્ટ બહાર આવે તે માટે ખાસ ''ગુજરાત્રી''નું પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે. આ પ્લેટફોર્મના અધ્યક્ષશ્રી નિમિષભાઇએ 'કોકટેલ દેશી', 'લાઇફ મંત્ર', 'મોજે ગુજરાત' જેવા ત્રણ-ત્રણ જબરદસ્ત કાર્યક્રમો આપ્યા બાદ રાજકોટીયનોને જીવનના અટપટા સવાલોના સરળ અને પ્રેકટીકલ જવાબો મળી જાય તેવો  અને જીવનભર યાદગાર રહે તેમજ જીવનને ખુશીઓથી રંગી દેનાર શો જયકારાનુ આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કર્યુ હતુ.

સતત અઢી કલાક સુધી એક જ બેઠકે હજારો લોકોએ આ અદભુત કાર્યક્રમ માણ્યો-જાણ્યો અને એક નવી જ તાજગી લઇને ગયા. સુપ્રસિદ્ધ લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ રાા કલાકના આ ટુંકા ગાળામા કૃષ્ણ, મહાત્મા ગાંધીજી, ગૌતમ બુદ્ધ, ઇશુ ખ્રિસ્ત, અમિતાભ બચ્ચન, વગેરે મહાન ચરિત્રોના જીવનના દ્રષ્ટાંતો, નાટય રૂપાંતર, ફીલ્મી દ્રશ્યો સાથે  ઓડિયો વિઝયુઅલના માધ્યમથી રજુ કરી સાંપ્રત સ્થિતિમા હતાશા, નકારાત્મકતા અને પીડાઓમાંથી કેવી રીતે બહાર આવીને મોજીલી-રંગીલી જિંદગી જીવીને પોતાનો ખુદનો '' જયકારા'' કરી શકે અને સરળ રીતે અને હ્ય્દયસ્પર્શી રીતે સમજાવ્યું. જેની પ્રત્યેક ક્ષણોને  દર્શકોએ તાળીઓના ગળગળાટથી વધાવી હતી. ટુંકમા શેર-કેર એન્ડ જોય (તમારૂ દુઃખ- આનંદ બીજાને આપો અને બીજાઓની કાળજી લ્યો તેના થકી જે આનંદ મળે તે માણો). આજ તમારો ''જયકારા'' છે.  તે સમજાવતો આ  કાર્યક્રમ સૌને પોતિકો લાગ્યો હતો.

અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ આયોજીત  જય વસાવડાના મોટીવેશનલ શો '' જયકારા'' કાર્યક્રમનું દિપપ્રાગટય  અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલા વેબ એડીશનના તંત્રી શ્રી નિમીષભાઇ ગણાત્રા તેમજ જાણીતા બિલ્ડર શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી નેહલ ગઢવી, શ્રી નિશાંતભાઇ ચોટાઇ અને શ્રી મિતેષ સોઢાના હસ્તે કરવામાં આવેલ. શિયાળાની થરથરતી રાત્રીએ હુંફાળી લાગણી સાથે ખીચોખીચ ભરેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ હોલ ખાતે સુપ્રસિદ્ધ લેખક કોલમીસ્ટ અને શબ્દોના બાહુબલી એવા જય વસાવડાના ''જયકારા'' કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જય જયકારાગીત સાથે જય વસાવડાએ શાનદાર એન્ટ્રી કરી હતી તેમણે સૌ પ્રથમ જણાવેલ કે અકિલા ઇન્ડિયા ઇવેન્ટસના આ શો માં હુ સૌને વંદન કરૂ છુ. હાલમા લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્ન, વિવિધ સમારંભ છોડીને આ શો માણવા આવેલા સૌનો હુ આભાર વ્યકત કરૂ છુ. બાળક, સ્ત્રી, યુવાન દરેકની અંદર સાવજ હોય જેને બહાર લાવવા માટેનો આ શો છે.

તેઓએ જણાવેલ કે આપણે રાજકારણીઓ જેવો એટીટયુડ રાખવો જોઇએ તેઓ નિરાશામાં આવી જાય તો આપઘાત કરતા નથી. ચુંટણીઓ હારી જાય તો પણ તેઓ નિરાશામાં આવી જતા નથી. અકિલાના મોભી જેવા કિરીટકાકાના આશીર્વાદ લેવા આવતા હોય છે. અને ફરીથી જીતવાનો ઉન્માદ દર્શાવતા હોય છે. તેઓએ એક રૂ.પ૦૦ ની નોટ કાઢી તેને ચોળી નાખી ઉદાહરણ આપતા કહ્યું કે આ પ૦૦ રૂ. ની નોટની જેમ જીંદગીમા આપણે વિખાઇ જશુ તો પણ આપણી વેલ્યુ વધવાની છે.

દેશના નં.૧ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગાયિકા નૃત્યકાર બિયોન સેનુ ચિત્ર બતાવતા કહ્યું કે આ બન્ને વચ્ચે શુ કનેકશન છે ? બિયોન સે  મુકેશ અંબાણીની દીકરીના લગ્નમા તેઓએ નૃત્યુ પીરસ્યુ હતુ. તેઓએ જણાવેલ કે આ કલાકાર આ અગાઉ કોઇપણ ખાનગી ફંકશનમા પોતાની કલા પ્રસ્તૃત કરી નથી. ગુજરાતીઓ ખૂબ જ સ્માર્ટ છે મુકેશ અંબાણીએ બિયોન સે ને પોતાના ઘરે બોલાવી ચણીયાચોલી પહેરાવી  પફોર્મન્સ કયુ હતુ. આ છે ગુજરાતી.

જય વસાવડાએ પૂ. મોરારીબાપુની કથાનો પ્રસંગ યાદ કરતા જણાવ્યું કે જીંદગીનો જયકારા કરવા દરેક પાસે પોતાની પોથી હોય જ છે. દરેક પાસે એક સ્ટ્રેન્થ હોય તેને પકડી લે એટલે તમે જીવનમાં સફળ થઇ જાવ.

તેઓએ મોહનદાસ કરમચંદ ગાંધીનુ ઉદાહરણ આપતા કહ્યું કે ગાંધીજી જયારે બ્રિટન ગયા અને તેઓને એક અધિવેશનમાં પોતાનું વકતવ્ય આપવાનું હતુ. એક અંગ્રેજએ તેમને સાદી પોતડી કાઢી નાખી અને શૂટ  પહેરી કાર્યક્રમમાં આવવાનુ કહ્યું ત્યારે ગાંધીજીએ આ અંગ્રેજને કહ્યું કે હુ ગુલામીની નહી, આઝાદીની વાત કરવા અહીં આવ્યો છુ. જયારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી ૧પમી ઓગષ્ટે લાલકિલ્લામા ગયા ન હતા. દેશને બચાવવા અને એક રાખવા છેલ્લા શ્વાસ સુધી તેઓ લડયા હતા.

જય વસાવડાએ કહ્યું કે સફળ વ્યકિત હંમેશા સુંદર જ દેખાય. સચિન તેન્ડુલકરની હાઈટ ભલે પાંચ ફૂટની હોય પરંતુ તેની આજુબાજુમાં સાડા છ ફૂટના બોડીગાર્ડ તેની રક્ષા કરતા હોય છે. 'સકસેસફુલ ઈઝ ઓલ વેઝ બ્યુટીફુલ.' જીવનમાં કયારેય નેગેટીવીટી ન રાખો.

'જય કારા'માં જય વસાવડા દ્વારા સફળ જીવન માટે 'ફોર-ડી' ફોર્મ્યુલા રજૂ કરી જેમાં ડ્રીમ : (સ્વપ્ના મોટા જુઓ), ડેર : સ્વપ્નને પૂરા કરવા સાહસ વૃતી કેળવો), ડેડીકેટ : તમે જોયેલુ સપનુ પૂરૂ કરવા તેને સમર્પિત થઈ જાઓ. ડુ : (તમારા સપનાને પૂરૂ કરવા કામે લાગી જાઓ.

આ ફોર - ડી ફોર્મ્યુલા જય વસાવડાએ માત્ર કાલ્પનિક નહિં પરંતુ આ ફોર્મ્યુલામાં જીવીને મહાન બનેલી વ્યકિતઓના દૃષ્ટાંતો સાથે રજુ કરી હતી. જેમાં ડ્રીમ અંગે મર્સીડીઝના લોગોનું ઉદાહરણ તથા ડેર માટે ક્રિકેટર રવિ શાસ્ત્રીનું ઉદાહરણ આપીને જણાવેલ કે તદ્દન ધીમુ રમતા રવિ શાસ્ત્રી લોકોની ટીકાઓની પરવા કર્યા વગર મોટા સ્કોરના ખડકલા કર્યા. આ સાહસ થકી તે આજે પણ લોકપ્રિય છે.

જયારે 'ડેડીકેશન' માટે પણ ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું ઉદાહરણ આપ્યુ હતું. કેવી રીતે ધોની ટીમને સમર્પિત થઈને ટીમને ગૌરવવંતી ઉંચાઈ પર લઈ ગયા અને 'ડુ' માટે ફિલ્મ સ્ટાર સલમાન ખાનનું ઉદાહરણ રજૂ કરાવેલ. જેમાં જણાવાયુ હત કે સલમાન ખાન તેના શરીરની જાળવણી માટે રાત્રે ૧ વાગ્યે પણ જીમનેશ્યમમાં જઈને પરસેવો પાડે છે.

ડ્રીમ (સપનું): લોકો સપના જોવે પણ ક્ષમતા નથી જોતાઃ સપના લાંબુ જીવવા માટે રાખવા, ભૂતકાળની યાદો કરતા ભવિષ્યના સપના નિહાળવાઃ આજે વિચારશો તો આવતીકાલે કંઇક બની શકશો, માત્ર સપનાઓ જોવાથી કંઇ નહી વળે

ડેર (હિંમત) : જીંદગીમાં મોટો ઠેકડો મારવો હોય તો દોરડાનો સહારો ન લ્યો, હિંમતથી કૂદકો મારોઃ વર્તનમા સિંહ નહિ વિચારમાં સિંહ થવું એ જ જયકારા

ડેડીકેટ (સમર્પણ) : પ્રયાસ કર્યા વગર કોઇ કામમાં સફળતા મળવાની નથી, સમર્પણ અને કદરને ડાયરેકટ સંબંધ નથી, કશું ન મળે તો પગ પછાડવાના બદલે વધુ સારૂ કામ કરો તમને યશ મળવાનો જ છે. : કોઇપણ કામ કરો તેમાં પોતાની આઇડેન્ટીટી બનાવો

ડૂ (કરવું ) : આપણે કોઇ વસ્તુ ધારીએ તેનો અમલ કરવો અને કરવો જ જોઇએઃ સતત પ્રયાસ કરતા રહો, આત્મવિશ્વાસ સાથે તમને અનુભવ પણ મળશેઃ જીવનમાં સતત દોડતા રહો, દ્રશ્યો આપોઆપ બદલાશે

જીંદગીને જીવવાના જયકારા

- જીંદગીને વેઈટીંગ મોડમાં ન રાખો, આપણો જલ્સો કોઈના દુઃખનું કારણ ન બનવું જોઈએ, બાકી જલ્સા કરો અને મોજથી જીવો.

- સુખી થવાની સિમ્પલ ફોર્મ્યુલા... જીંદગીમાં ડિપ્રેશન નહિં થવાનું અને મોજમાં રહેવાનું, ટેન્શન નહિં લેને કા...

- જીવનમાં શેરડીની જેમ તેના રસનો આનંદ લેવો જોઈએ. શેરડીમાં જેટલા સાઠા આવે તેટલા ગાંઠા પણ આવે, ગાંઠાને બાજુમાં રાખી તેનું મર્મ કરવું.

- જે કરવું હોય એ કરો અને તે કાર્ય કર્યે જ રાખો, લોકો પાસે મદદ માંગો, પોતાના સુખ - દુઃખની વાતો શેર કરશો તો તમે હળવાશ અનુભવશો.

- તમે પથ્થર જેવા બનશો તો તૂટી જશો, પાણી જેવા બનશો તો આપોઆપ રસ્તો નીકળશે અને ખળખળ વહેતા રહેશો. આ બાબતો સંદેશો પૃથ્વી અને આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે તેના માધ્યમથી સંકેત આપે છે.

-: અહેવાલ :-

રણજીતસિંહ ચૌહાણ, સુનિલ મકવાણા

-: તમામ તસ્વીરો :-

સંદિપ બગથરીયા

(12:00 pm IST)