Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સિદ્ઘિવિનાયક મંદિરમાં ૩૫ કિલો સોનાનું દાન મળ્યું !

મંદિરના દરવાજા પર લગાવાઇ સોનાની પ્લેટઃ દરવાજા અને છત સોનાથી મઢાશે

મુંબઇ,તા.૨૧: સિદ્ઘિવિનાયક મંદિરને ૩૫ કિલો સોનું દાન મળ્યું છે. મુંબઈનું સિદ્ઘિવિનાયક મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે. જેણે પણ મંદિરમાં ૩૫ કિલો સોનું દાન કર્યું હતું, તેને ખરીદવા માટે લગભગ ૧૪ કરોડ ખર્ચ કરવો પડ્યો હશે.

મંદિર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દાન ગયા અઠવાડિયે આપવામાં આવ્યું છે. સિદ્ઘિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિને દરવર્ષે કરોડો રૂપિયાનો ચઢાવો આવે છે. મોટાભાગનું દાન રોકડ સ્વરૂપે હોય છે તો કેટલાક શ્રદ્ઘાળુઓ સોનું, ચાંદી અને કીંમતી રત્ન પણ દાનમાં ચઢાવે છે.ઙ્ગ

સિદ્ઘિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંડેકરે કહ્યું, 'એક ભકતએ ૩૫ કિલો સોનું દાન આપ્યું છે.' આ સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત બનાવવા માટે કરવામાં આવશે.

જો કે, મંદિર સાથે સંકળાયેલા લોકોએ ૩૫ કિલો સોનાનું દાન કરનારા ભકતની ઓળખ જાહેર કરવાનો નનૈયો ભણ્યો છે. સોનાની છત પરથી ઝૂલતું મોટું ઝુમ્મર જોવું અને સોનાના દરવાજામાંથી સિદ્ઘિવિનાયકના દર્શન કરવા એ એક અલગ અનુભવ છે. પ્રથમ મંદિરના દરવાજા લાકડાના હતા અને તેના પર ચમકતું પેઇન્ટ કરવામાં આવેલ. છત પણ પહેલાં આવી જ હતી.

જેટલું સોનું દાન કરવામાં આવ્યું છે, તે મંદિરમાં વાપરવામાં આવ્યું છે. ૧૫ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી મંદિર બંધ રહ્યું હતું. તે દરમિયાન સોનાની પ્લેટ ચઢાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

(11:22 am IST)