Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આસામમાં NRCની અસર

ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જનારાઓની સંખ્યામાં ૫૦%નો વધારો

નવી દિલ્હી, તા.૨૧: ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના આંકડા અનુસાર, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જનારાઓની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૮માં ગેરકાયદેસરરીતે બોર્ડર ક્રોસ કરી રહેલા ૨૯૭૧ લોકોની બોર્ડર સિકયોરિટી ફોર્સે ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૭માં આ આંકડો ૧૮૦૦નો રહ્યો. બોર્ડર પાર કરનારા લોકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૮માં ૧૫૩૨ પુરુષો, ૭૪૯ મહિલાઓ અને ૬૯૦ બાળકોની બોર્ડર સિકયોરિટી ફોર્સે ધરપકડ કરી હતી.

બીજી તરફ, બાંગ્લાદેશથી ભારત આવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૭માં ૧૧૮૦ અને વર્ષ ૨૦૧૮માં ૧૧૧૮ લોકોએ ભારત તરફ ડગ ભર્યા હતા. અંગ્રેજી અખબારના એક રિપોર્ટ અનુસાર, એક વાત અહીં સ્પષ્ટ થાય છે કે, બોર્ડર પાર કરનારા લોકો કોઈ ચોક્કસ હેતુથી સીમા પાર કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૭થી બોર્ડર પાર કરતા લોકોની સંખ્યાનો આંકડો જાહેર કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનની બીજી યાદી જાહેર થયા બાદ બોર્ડર પાર કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. NRCની બીજી ડ્રાફ્ટ કોપી તા. ૩૦ જુલાઈ, ૨૦૧૮ના રોજ જાહેર કરવામાં આવી છે. જે અંર્તગત ૪૦ લાખ લોકોને યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

NRCના ફાયનલ લિસ્ટમાં આશરે ૨૦ લાખ લોકોને બાહર રાખવામાં આવ્યા છે. ભારતમાંથી કાઢી મુકવાના ભયથી કેટલાક લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરી રહ્યા છે. આસામ રાજયમાં આ અસર સૌથી વધુ જોવા મળી રહી છે. આસામમાં રહેતા લોકો રાજય સરકારના સેવા કેન્દ્ર પર જઈને પણ પોતાનું નામ તપાસી શકે છે. કેટલાક લોકો એવા પણ હતા જેઓ આસામમાં રહેતા હતા પણ જરૂરી દસ્તાવેજ ન હોવાને કારણે એમનું નામ આ યાદીમાં આવ્યું ન હતું. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આસામમાં રહેતા લોકોને ખાતરી આપી હતી કે, યાદીમાં નામ નહીં હોય તો પણ કોઈ વ્યકિતની અટકાયત થશે નહી.

(10:24 am IST)