Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સરકારી ઓફિસોમાં હવે પોતાની ભાષામાં કરી શકાશે ફરિયાદ

નવી દિલ્હી, તા. ૨૧ :. હવે સામાન્ય પ્રજા પોતાની ભાષામાં પણ સરકારી ઓફિસોમાં પોતાની ફરિયાદ અથવા સૂચનો આપી શકશે. આ ફરિયાદો પર કાર્યવાહી પણ થશે. કેન્દ્ર સરકારે ઝડપથી આ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર આ વર્ષે ૧ એપ્રિલથી આવી વ્યવસ્થા લાગુ થઈ શકે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)એ આના માટે જરૂરી વ્યવસ્થા કરવાનું કહ્યુ છે. સરકારે આવી વ્યવસ્થા એવી ઘણી ફરીયાદો પછી કરી જેમાં કહેવાયુ હતુ કે ભાષાની અડચણના કારણે ઘણીવાર લોકો પોતાની વાત નથી કરી શકતા. સરકારનું માનવુ છે કે સ્થાનિક ભાષામાં ફરિયાદ કરવાની વ્યવસ્થા કર્યા પછી વધુને વધુ લોકો પોતાની વાત કહેશે જેના લીધે પારર્શકના વધશે. ડીપાર્ટમેન્ટે આ બાબતે બધા મંત્રાલયો અને વિભાગોને પોતાની તૈયારીઓ કરવા કહ્યું છે. આના માટે ફરીયાદ નોંધાવવા માટેના હાલના સોફટવેરમાં પણ ફેરફાર કરવામાં આવશે.

સૂત્રો અનુસાર સામાન્ય માણસોની ફરિયાદ અથવા સૂચન વધુમાં વધુ મળે તેના માટે આ આદેશ પીએમઓએ આપ્યો છે. પ્રજાની ફરીયાદો સાથે સંકળાયેલી બાબતોની દેખરેખ પીએમઓ પોતે કરે છે. વિભિન્ન મંત્રાલયો વિભાગોને જે ફરિયાદો મળે છે, પીએમઓના દિશા નિર્દેશ અનુસાર ડીઓપીટી દ્વારા તેના નિવારણ માટે ડીટેલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જે નિયમીત સમયગાળે પીએમઓને મોકલવામાં આવે છે, પીએમઓ તેને રિવ્યુ કરે છે, પાંચ વર્ષ પહેલા સરેરાશ ૪૪ ટકા ફરીયાદોનું નિવારણ થતુ હતુ પણ ગયા વર્ષે આ આંકડો ૯૫ ટકાએ પહોંચ્યો હતો.

પીએમઓને ભાષાની તકલીફ બાબતે રિપોર્ટ મળ્યો હતો, ત્યાર પછી વડાપ્રધાન મોદીએ સમિક્ષા મીટીંગ કરી હતી અને આ મોરચે તાત્કાલિક સુધારો કરવાના આદેશ આપ્યા હતા. દર મહિને થતી સમિક્ષા મીટીંગમાં વડાપ્રધાન ઘણા મંત્રાલયોને ગંભીર ચેતવણી આપી ચૂકયા છે.

(9:45 am IST)