Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

CBI વિવાદ : નાગેશ્વર રાવ વિરૂધ્ધ થયેલી અરજીની સુનાવણીથી ચીફ જસ્ટીસ દૂર થયા

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું કે તેઓ પસંદગી સમિતિના સભ્ય છે, આ સ્થિતિમાં આ કેસની સુનાવણીમાં તેમનું જોડાવું યોગ્ય નથી

નવી દિલ્હી તા. ૨૧ : સીબીઆઈના વચગાળાના ડાયરેકટર તરીકે નાગેશ્વર રાવની નિયુકિતને પડકારતી અરજી પરની સુનાવણીમાં વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નહીં જોડાય. મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ જણાવ્યું હતું કે તેઓ પસંદગી સમિતિના સભ્ય છે, તેથી આ કેસની સુનાવણીમાં જોડાવું તેમના માટે યોગ્ય નથી.

સીબીઆઈના વચગાળાના ડાયરેકટર તરીકે નાગેશ્વર રાવની નિયુકિતને કોમન કોઝ નામની એનજીઓએ સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી. આ અરજી મુજબ, નાગેશ્વર રાવની નિયુકિત ઉચ્ચઅધિકાર ધરાવતી પસંદગી સમિતિની ભલામણના આધારે કરાઈ નથી.

અરજી મુજબ, દેશની સર્વોચ્ચ અદાલતે આઠમી જાન્યુઆરીએ સરકાર દ્વારા ૨૩મી ઓકટોબરે કરાયેલી નાગેશ્વર રાવની નિયુકિતને રદ કરવામાં આવી હતી, પરંતુ સરકારે ગેરકાયદેસર રીતે અને બદઈરાદા પુર્વક ડીએસપીઈ કાયદાનું ઉલ્લંઘન કરતા નાગેશ્વર રાવની પુનઃનિયુકિત કરી હતી.

નાગેશ્વર રાવને સીબીઆઈમાં નવા વડાની નિયુકિત ન થાય ત્યાં સુધી ૧૦મી જાન્યુઆરીએ વચગાળાના ડાયરેકટર બનાવાયા હતા. અગાઉ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતા વાળી હાઇપાવર કમિટીએ આલોક કુમાર વર્માને ભ્રષ્ટાચાર અને ફરજમાં લાપરવાહી દાખવવા બદલ એજન્સીના પ્રમુખ પદેથી હટાવ્યા હતા. આ સમિતિમાં વડા પ્રધાન મોદી ઉપરાંત લોકસભાા નેતા વિરોધ પક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સીજેઆઈ રંજન ગોગોઈના પ્રતિનિધિ તરીકે જસ્ટિસ એકે સીકરી ઉપસ્થિત રહ્યાં હતા.

સીબીઆઈ પ્રમુખની નિયુકિત માટે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતા વાળી હાઇપાવર સમિતિની બેઠક ગુરૂવારે થશે. આ બેઠકમાં એજન્સી નવા ડાયરેકટરના સંભવિત નામો પર ચર્ચા થશે. અધિકારીઓના મતે આ બેઠકમાં સીજેઆઈ રંજન ગોગોઈ અથવા તેના પ્રતિનિધિ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે.(૨૧.૩૧)

(3:37 pm IST)