Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

દુબઇના શેખોનો વૈભવ

ગાડી પર ૧૦૦ કરોડની નંબર પ્લેટ

દુબઇ તા. ૨૧ : દુબઈ એક ખાસ શહેર છે. અહીંની ઇમારતો ખાસ છે. અહીંના રસ્તા ખાસ છે. આ 'ભભકો' દેખાડવાનું શહેર છે. અહીંના ઘનવાન શેખ મોંઘી વસ્તુઓનાં શોખીન છે. દુબઈના રસ્તાઓ મોંઘીદાટ ગાડીઓથી ભરેલા હોય છે. લિમિટેડ એડિશનની શાનદાર ગાડીઓના કાફલાઓ અહીં જોવા મળે છે.

દુબઈ એવું શહેર છે જયાં તમને ગાડીઓની કિંમત કરતાં તેની નંબર પ્લેટ મોંઘી મળી શકે છે. પોતાની કારને અલગ ટચ આપવા અને પોતાની ઓળખ બનાવવા માટે સ્પેશિયલ લાઇસન્સ પ્લેટ દ્વારા દુબઈના ધનવાનો અકલ્પનીય કિંમત ચૂકવવા તૈયાર હોય છે.

દુબઈ અને શહેરી લકઝરી એક બીજાની સાથો-સાથ ચાલે છે. સંયુકત અરબ અમીરાતનું આ શહેર અમીર શેખો અને મોટો પગાર મેળવનારા વિદેશીઓની પ્રથમ પસંદ છે. સોશિયલ મીડિયાના સેલિબ્રિટી કે જેમાં કેટલાક ટીનેજર સામેલ છે, તેઓ પોતાના શોખ દેખાડવાથી પાછળ હટતા નથી.

સંયુકત અરબ અમીરાતના સૌથી વધુ વસતીવાળા આ શહેરમાં આલીશાન વસ્તુઓની ભરમાર છે. વીઆઈપી નંબર પ્લેટ તેમાંથી જ એક છે. વર્ષ ૨૦૦૮માં દુબઈમાં '૧' નંબરની લાઇસન્સ પ્લેટ ૪૨ લાખ ડોલરમાં નીલામ થઈ હતી. આજની કિંમતમાં તે ભારતીય મુદ્દામાં ૧૦૦ કરોડથી પણ વધારે છે.

દુબઈમાં આજે પણ આ નંબર પ્લેટને સૌથી મોંઘી માનવામાં આવે છે. દુબઈના સ્થાનિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જયારે રસ્તા પર કોઈ સ્પેશિયલ નંબર પ્લેટવાળી ગાડી પસાર થાય છે તો તેનાથી ફરક તો પડે છે. તેમજ વધુમાં એમ પણ કહ્યું ઘણાં દેશોમાં લોકોને કોઈ આનાથી ફરક પડતો નથી, પરંતુ દુબઈમાં ફરક પડે છે. અહીં આ એક ટ્રેન્ડ છે.

અલ-મરઝૂકીએ પોતાની લેમ્બર્ગિની માટે ૮૬૮૬ નંબર ખરીદ્યો હતો. તેમની અન્ય ફરારીનો નંબર ૫૫૬૦૮ છે.

તેઓ કહે છે, 'પહેલા આ શોખ હતો, પરંતુ હવે તે એક વેપાર બની ગયો છે. મને મારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ફોલોઅર્સની સંખ્યા જોઈને નવાઈ લાગે છે.'

અલ-મરઝૂકીએ સૌ પ્રથમ જે સ્પેશિયલ લાઇસન્સ પ્લેટ ખરીદી હતી તેનો નંબર ૮૮૮ હતો. ત્યારબાદથી જ તેઓ પોતાની દરેક ગાડીઓ માટે ૮ સાથે જોડાયેલો નંબર પસંદ કરે છે. તેઓ કહે છે, 'હું તેને ખરીદવામાં સંકોચ કરતો નથી. હું ઇચ્છુ છું કે દરેક ખાસ વસ્તુ મારી હોય.' (૨૧.૧૧)

 

(11:37 am IST)