Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

નીરવ મોદી ઠગાઇ કેસના સંબંધમાં પંજાબ નેશનલ બેંકના બે અધિકારીને બરતરફ કરાયા

નવી દિલ્હી તા. ૨૧ : હીરાઉદ્યોગના મહારથી નીરવ મોદીએ કરેલી ઠગાઈને કારણે જેને આર્થિક નુકસાન ગયું છે તે પંજાબ નેશનલ બેન્ક (PNB)ના બે એકિઝકયૂટિવ ડાયરેકટરને સરકારે બરતરફ કરી દીધા છે. બેન્કના કામકાજમાં પોતાનો અંકુશ યોગ્ય રીતે જાળવવામાં નિષ્ફળ જવા બદલ બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

આ બંનેને ગઈ ૧૮ જાન્યુઆરીથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, એવું કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું છે કે કે.વી. બ્રહ્માજી રાવ અને સંજીવ સરનને PNBના એકિઝકયૂટિવ ડાયરેકટર પદેથી તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે કાઢી મૂકવામાં આવ્યા છે.

એવો આક્ષેપ કરાયો છે કે ઉકત બંને અધિકારીએ બેન્કના કામકાજમાં ભૂલ કરી હતી. બેન્કની કાર્યપદ્ઘતિ વિશે ભારતીય રિઝર્વ બેન્કે આપેલી સલાહની અવગણના કરી હતી.

રિઝર્વ બેન્કે છેક ૨૦૧૬માં સકર્યૂલર ઈસ્યૂ કર્યો હતો. કેટલીક બેન્કોએ રિઝર્વ બેન્કના આદેશનો અમલ કર્યો હતો તો PNB સહિત અમુક બેન્કોએ અમલ કર્યો નહોતો.

બ્રહ્માજી રાવ આ મહિનાના અંતમાં નોકરીમાંથી નિવૃત્ત થવાના હતા જયારે સરન આ વર્ષના મે મહિનામાં સુપરએન્યુએટ કરાયા હતા.

નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોકસીએ કેટલાક બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને નકલી લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ઈસ્યૂ કરાવીને પીએનબી સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડની ઠગાઈ કરી હતી. પીએનબીની મુંબઈમાંની એક શાખાએ ૨૦૧૧ના માર્ચથી નીરવ મોદીની માલિકીની કંપનીઓના ગ્રુપને એવા લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ગેરકાયદેસર રીતે ઈસ્યૂ કર્યા હતા.

નીરવ મોદીની કંપનીઓ, એમના સગાસંબંધીઓ અને નીરવ મોદી ગ્રુપને કુલ ૧,૨૧૩ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ ઈસ્યૂ કરાયા હતા. એવી જ રીતે, મેહુલ ચોકસી, એમના સગાંસંબંધીઓ તથા ગીતાંજલી ગ્રુપને ૩૭૭ LoU ઈસ્યૂ કરાયા હતા.

સીબીઆઈ એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી જ દીધી છે. એમાં પંજાબ એન્ડ નેશનલ બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેકટર અને એકિઝકયૂટિવ ડાયરેકટરો સહિત ઘણા કર્મચારીઓના નામ આપ્યા છે.(૨૧.૧૩)

(11:36 am IST)