Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બે કરોડની લાંચના બદલામાં સુખ - સગવડ

જેલમાં શશીકલા ભોગવે છે શાહીઠાઠ : મળે છે ખાસ સુવિધા : રહેવા ૧ને બદલે ૫ રૂમ

ભોજન માટે પણ સ્પે. વ્યવસ્થા

બેંગ્લુરૂ તા. ૨૧ : અન્નાદ્રમુકમાંથી હાંકી કઢાયેલા નેતા વી.કે શશિકલાને જેલમાં વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તે ભ્રષ્ટાચારનાં કેસમાં સજા ભોગવી રહી છે. આરટીઆઇમાં થયેલા ખુલાસા અનુસાર, તેને અલગ રસોડાની સુવિધા પણ મળી રહી છે. આરટીઆઇ કાર્યકર્તા નરસિમ્હા મૂર્તિના અનુસાર ૨૯૫ પન્નાનાં રિપોર્ટમાં તત્કાલીન ડીઆઇજી(જેલ) ડી.રૂપાના જુલાઇ ૨૦૧૭નાં દાવાની પૃષ્ટી થયો કે પરાપના અગ્રહરા કેન્દ્રીય કારાગારમાં શશિકલાને વિશેષ સુવિધા આપવામાં આવી અને તેમને અલગ રસોઇઘર આપવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર શશિકલાને જેલમાં એક રૂમ ફાળવવામાં આવ્યો હતો. પરંતુ શશિકલાનાં પ્રભાવથી તેમને જેલમાં એક રૂમ ઉપરાંત ચાર અન્ય રૂમની સુવિધા આપવામાં આવી હતી. ઉપરાંત તેના ભોજન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગૃહ વિભાગનાં જન સંપર્ક અધિકારી એમ.આર શોભાએ આરટીઆઇનો જવાબ આપ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા રુપાએ કહ્યું કે, તેમનાં દાવાની પૃષ્ટી થઇ છે. તેમણે કહ્યું કે, આ કિસ્સો જેલમાં સુધારાઓનો આધાર બની શકે છે.

રૂપાના અનુસાર, મે મારા રિપોર્ટમાં જે વાતો કહી હતી તે જ સામે આવ્યું છે,સ્વતંત્ર તપાસ સમિતીએ પણ તેની પૃષ્ટી કરી તેનાં કારણે હું ખુશ છું. રૂપાના અનુસાર તેના સંઘર્ષ અને પ્રયાસોનાં કારણે આરટીઆઇમાં આ ખુલાસો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુદ્દો ગરમાયા બાદ તત્કાલીન સિદ્ઘરમૈયા સરકારે રૂપાનાં આરોપોની તપાસ સેવાનિવૃત આઇએએસ અધિકારી વિનય કુમાર પાસે કરાવવાનો આદેશ આપ્યો હતો.

રૂપાએ ડીજીપી (જેલ) એચ.એન સત્યનારાયણ રાવને રિપોર્ટ સોંપીને આરોપ લગાવ્યો કે, એવા પ્રકારની ચર્ચા છે કે શશિકલાને વિશેષ સુવિધા આપવા માટે બે કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. તેમાં રાવ પર પણ લાંચ લેવાનાં આરોપ લાગ્યા, જેનું રાવે ખંડન કર્યું હતું. આ મુદ્દે સિદ્ઘરમૈયા સરકારે કોંગ્રેસ સરકારને શરમજનક પરિસ્થિતીમાં મુકાઇ હતી. ત્યાર બાદ  રૂપા અને રાવ બંન્નેની બદલી કરી દેવાઇ હતી.(૨૧.૧૩)

(11:36 am IST)