Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

૧૦૦ દિવસમાં મોદી સરકારની વિદાય નક્કી

રાહુલ ગાંધીનું ટ્વીટ : લોકો મોદી સરકારના અત્યાચારો - અક્ષમતાથી ઇચ્છે છે મુકિત

નવી દિલ્હી તા. ૨૧ : મમતા બેનર્જીની આગેવાનીમાં શનિવારે થયેલી વિપક્ષની રેલીના સંબંધમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર 'બચાઓ-બચાઓ' કહી કટાક્ષ કર્યો હતો. હવે રાહુલ ગાંધીએ પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું છે કે આ સરકારથી ત્રસ્ત જનતાનો મદદ કરવાનો પોકાર છે અને ૧૦૦ દિવસોમાં તે આ સરકારથી મુકત થઈ જશે.

રાહુલે ટ્વીટ કર્યું કે, 'મહામહિમ, આ તેવા લાખો બેરોજગાર યુવકોની મદદ કરવાનો પોકાર છે, ખેડૂત, શોષિત દલીતો અને આદિવાસીઓ, સતાવવામાં આવેલા અલ્પસંખ્યકો, બરબાદ થઈ રહેલા વ્યાપારીઓની મદદ માટેનો પોકાર છે. જે તમારા અત્યાચારો અને અક્ષમતાથી મુકિત ઈચ્છી રહ્યાં છે. ૧૦૦ દિવસમાં તે મુકત થઈ જશે.'

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ શનિવારે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આયોજીત રેલી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં બીજેપીનો એક માત્ર ધારાસભ્ય છે પરંતુ તે અમારાથી ડરી રહ્યાં છે. કારણકે અમે સચ્ચાઈના રસ્તે ચાલી રહ્યાં છે. આ કારણે જ તેમણે દેશની પાર્ટીઓને ભેગી કરી અને બચાઓ બચાઓની બૂમો પાડી રહ્યાં છે. વડાપ્રધાને કહ્યું હતું કે, 'તે ખૂબ જ ગુસ્સામાં છે કારણકે મેં તેમને જનતાના રૂપિયા લૂંટવાથી રોકયાં છે. આ કારણે જ તેઓ મહાગઠબંધન બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. આ નેતાઓ ડરના કારણે એકસાથે આવ્યાં છે અને બચાઓ બચાઓ બૂમો પાડી રહ્યાં છે.'(૨૧.૯)

(10:17 am IST)