Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભારતનાં ગગનયાનને વેરાવળના કાંઠે લેન્ડ કરાશે

વિકલ્પ તરીકે ગોવાનો દરીયાકાંઠો અથવા તો બંગાળનો અખાત : ઇસરોનું એલાનઃ ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ઇસરો બેથી ત્રણ વ્યકિતઓને અવકાશમાં મોકલશે : તેઓ પાંચ - સાત દિ' રહેશે : વેરાવળના દરિયામાં લેન્ડ થશે

નવી દિલ્હી તા. ૨૧ : અત્યાર સુધી કોઇ પણ સ્પેસક્રાફટને પાછું લેન્ડ કરવા માટે પેસીફીક ઓશનનો ઉપયોગ કરાતો હતો પણ ભારતના મહત્વકાંક્ષી ગગનયાન કે જે દેશનું પહેલું હ્યુમન સ્પેસ ફલાઇટ મિશન છે તેને વેરાવળ નજીક લેન્ડ કરાવવામાં આવશે. વિકલ્પ તરીકે ગોવાનો કાંઠો અથવા તો બંગાળના અખાતની પસંદગી કરવામાં આવી છે.

વર્ષોથી અંતરિક્ષમાં ગયા બાદ સ્પેસક્રાફટને પાછું લેન્ડ કરવા માટે પેસિફિક સમુદ્રનો ઉપયોગ થતો આવ્યો છે. પરંતુ ભારત માટે દેશનું પહેલું મહત્વકાંક્ષી અંતરિક્ષ મિશન ગગનયાનમાં અંતરિક્ષયાત્રીઓ સાથેના સ્પેસક્રાફટને ગુજરાતના દરિયામાં વેરાવળ નજીક લેન્ડ કરાવામાં આવશે.

અમદાવાદના ISROમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડેપ્યુટી ડિરેકટર નિલેશ દેસાઈએ જણાવ્યું કે, અમે દેશના ૭૫મી સ્વતંત્રતા દિવસના પર્વ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં બેથી ત્રણ વ્યકિતઓને અવકાશમાં મોકલીશું. તેઓ અંતરિક્ષમાં પાંચથી સાત દિવસ સુધી રહેશે અને ગુજરાતના વેરાવળ નજીક દરિયામાં લેન્ડ થશે. સોમવારે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટમાં પણ દેસાઈએ 'રિપોઝિશનિંગ ઈન્ડિયન ટેલેન્ટ પૂલ ઓન ધ ગ્લોબલ ફ્રન્ટીઅર' નામના સેમિનારમાં સંબોધન કર્યું હતું.

નિલેશ દેસાઈએ જણાવ્યું કે, એરક્રાફટના લેન્ડીંગ માટે અન્ય બે જગ્યાઓ પણ પસંદ કરવામાં આવી છે, જેમાં ગોવાનો દરિયા કિનારો અને બંગાળની ખાડીનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈપણ પ્રકારની ઈમરજન્સીમાં  ૯૦થી ૧૦૦ મિનિટની અંદર અમે દુનિયાના કોઈપણ ખૂણામાંથી અવકાશ યાત્રીઓને બહાર કાઢી શકીએ છીએ. આ રીતે અમે દુનિયામાં પોતાની પ્રતિભા બતાવી રહ્યા છીએ.

૨૬મી ડિસેમ્બર ૨૦૧૮ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફાઉન્ડીંગ ડિરેકટર ડો. બી.એન સુરેશે અમદાવાદમાં આવેલી PRL લેબમાં યોજાયેલી એનિવર્સરી મીટિંગ દરમિયાન ISROના ચેરમેન કે. સીવાનની સ્લાઈડ્સ રજૂ કરી હતી. આ સ્લાઈડ્સ મુજબ ગગનયાનના ક્રૂ મેમ્બર્સની કેપ્સૂલને ગુજરાતના દરિયાકાંઠે લેન્ડ કરાવવામાં આવશે.

ISROના પૂર્વ ચેરમેન એ.એસ કિરન કુમારે જણાવ્યું હતું કે, શકય છે કે ગગનયાન મિશન માટે એસ્ટ્રોનોટ્સને ઈન્ડિયન એરફોર્સમાંથી જ હશે, પરંતુ તે સિલેકશન પ્રોસેસ પર આધાર રાખે છે. હાલમાં અમદાવાદ ખાતે આવેલી SACમાં ક્રૂ મેમ્બર્સ માટે કેટલીક લાઈફ સપોર્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. હાલમાં જ વડોદરાની ફાયર સેફટીના સાધનો બનાવતી કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્પેસશૂટ પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.(૨૧.૭)

(10:15 am IST)