Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

હરીયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી

મોદી મેજીકના સહારે ભાજપ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી જંગ જીતવા માગે છે

નવી દિલ્હી, તા. ૨૧ :. સામાન્ય વર્ગના યુવાનો માટે ૧૦ ટકા અનામત સુરક્ષિત કરાવીને વિપક્ષો પર માનસિક રીતે સરસાઈ બનાવી ચૂકેલ ભાજપ હવે નવુ પગલુ લેવાનું તૈયારીમાં છે. પક્ષે પોતાના શાસનવાળા ૩ રાજ્યો હરીયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં મોદી મેજીકના સહારે વિજય મેળવવાની તૈયારી શરૂ કરી છે. આ માટે આ ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે જ થઈ શકે છે. આ ત્રણેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ ઓકટોબરથી નવેમ્બર વચ્ચે સમાપ્ત થાય છે.

ભાજપના સૂત્રોન જણાવ્યા પ્રમાણે ઝારખંડમાં ઝારખંડ મુકિત મોરચા, રાજદ, કોંગ્રેસ અને ઝાવીપાવાળા વિપક્ષી મહાગઠબંધનની તસ્વીર સ્પષ્ટ થઈ ગઈ છે. જેને કારણે ભાજપનું નેતૃત્વ ત્યાં વિધાનસભા ભંગ કરી લોકસભાની સાથે વિધાનની ચૂંટણી યોજવા ભાજપ તૈયાર થયુ છે.

હરીયાણા વિધાનસભાનો કાર્યકાળ ઓકટોબરમાં પુરો થાય છે, ત્યાં કોંગ્રેસમાં ફેલાયેલી જુથબંધી અને લોકદળના બે ફાડીયા થયા હોવાથી સમીકરણો બદલાયા છે જેનો ભાજપ ફાયદો લેવા માગે છે. ૩૧મી જાન્યુઆરી બાદ ભાજપ આ રાજ્ય અંગે નિર્ણય લેશે.

મહારાષ્ટ્રની સ્થિતિ અલગ છે, ત્યાં શિવસેનાએ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપનું નેતૃત્વ ત્યાં બન્ને ચૂંટણી સાથે યોજવા માગે છે. ભાજપ આવતા મહિને આ અંગે વિચારણા શરૂ કરશે.(૨-૫)

 

(10:14 am IST)