Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બ્રિટનને પછાડી વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત

ચૂંટણી પહેલા જ મોદી સરકારને ફાયદો થાય તેવા અહેવાલોઃ બ્રિટન પાંચમા ક્રમેથી ખસીને સાતમા ક્રમે જશે અને ભારત પાંચમા ક્રમે આવી જશેઃ બ્રિટનનો જીડીપીનો વૃદ્ધિદર ૨૦૧૯માં ૧.૬ ટકા રહેશે જ્યારે ભારતનો ૭.૬ ટકા રહેશેઃ ૨૦૧૭માં જ ભારતે ફ્રાન્સને પાછળ છોડી દીધુ હતું

નવી દિલ્હી, તા. ૨૧ :. લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય અર્થવ્યવસ્થાને લઈને જે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે તેનાથી મોદી સરકારની નીતિઓને બળ મળશે અને દુનિયામાં ભારતની તાકાત વધુ વધશે. વૈશ્વિક સલાહકાર કંપની પીડબલ્યુસીના એક રીપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે ભારત ૨૦૧૯માં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં બ્રીટનને પછાડી શકે છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે એક જ સ્તરના વિકાસ અને કમોબેશ સમાન વસ્તીને કારણે આ યાદીમાં બ્રીટન અને ફ્રાન્સ આગળ પાછળ થતા રહ્યા છે પરંતુ જો આ યાદીમાં બન્ને દેશોને પછાડીને ભારત આગળ નીકળે તો તેનુ સ્થાન કાયમી બની જશે.

પીડબલ્યુસીના રીપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે. ૨૦૧૯માં બ્રીટનની જીડીપીનો વૃદ્ધિદર ૧.૬ ટકા, ફ્રાન્સનો ૧.૭ ટકા અને ભારતનો ૭.૬ ટકા રહેશે. રીપોર્ટમાં જણાવાયુ છે કે ભારત અને ફ્રાન્સ ૨૦૧૯માં બ્રીટનને પાછળ છોડી દેશે. આનાથી વૈશ્વિક રેન્કીંગમાં બ્રીટન પાંચમા સ્થાનેથી ખસીને ૭મા ક્રમે પહોેંચી જશે.

અત્રે નોંધનીય છે કે વિશ્વ બેન્કના આંકડા અનુસાર ૨૦૧૭માં ફ્રાન્સને પાછળ છોડી ભારત વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયુ હતુ. ટૂંક સમયમાં ભારત બ્રીટનને પણ પછાડી દેશે. હાલ બ્રીટન પાંચમા સ્થાને છે.

પીડબલ્યુસીના રીપોર્ટમાં જણાવાયુ છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ૨૦૧૯માં સુસ્ત રહેશે.(૨-૪)

 

(10:12 am IST)