Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભારતના ૯ શ્રીમંતો પાસે દેશની ૫૦ ટકા જેટલી સંપત્તિ

ઓકસ ફાર્મનો રીપોર્ટઃ ભારતની સૌથી ગરીબ ૧૦ ટકા વસ્તી એટલે કે ૧૩.૬ કરોડ લોકો ૨૦૦૪થી સતત દેવામાં ડુબેલા છે: દેશની જનસંખ્યાના કુલ ૧ ટકા લોકોની સંપત્તિ ગયા વર્ષે ૩૯ ટકા જેટલી વધીઃ દેશની ૬૦ ટકા વસ્તી પાસે ફકત ૪.૮ ટકા જેટલી સંપત્તિઃ વિશ્વસ્તરે ૨૦૧૮માં કરોડપતિઓની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો થયો: ભારતના ધનકુબેરોની સંપત્તિમાં રોજ ૨૨૦૦ કરોડનો વધારો થયો

નવી દિલ્હી, તા. ૨૧ :. શ્રીમંત દિવસેને દિવસે શ્રીમંત થતો જાય છે. આ બાબત આપણે કાયમ સાંભળતા હોઈએ છીએ, પરંતુ એક રીપોર્ટનું માનીએ તો આ સાચુ સાબિત થઈ રહ્યુ છે. એક રીપોર્ટ સામે આવ્યો છે કે ભારતમાં મોજુદ કરોડપતિઓની સંપત્તિઓમાં ૨૦૧૮માં પ્રતિ દિન લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. દેશની જનસંખ્યાના કુલ ૧ ટકા લોકોની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં ૩૯ ટકા જેટલી વધી છે, તો દેશના સૌથી ગરીબ મનાતા લોકોની સંપત્તિમાં માત્ર ૩ ટકાનો વધારો થયો છે. આ અભ્યાસ અનુસાર ભારતના ૯ શ્રીમંત લોકો પાસે દેશની અડધો અડધ સંપત્તિ છે.

ઓકસ ફાર્મના રીપોર્ટ મુજબ ભારતની લગભગ અડધી વસ્તીનો આર્થિક ગ્રોથ ગયા વર્ષે ઘણો ઓછી ઝડપે આગળ વધ્યો હતો. ૫૦ ટકાથી વધુ લોકોની સંપત્તિમાં ૩ ટકાના હિસાબથી વધારો થયો તો વૈશ્વિક રીતે જોઈએ તો વિશ્વના કરોડપતિઓની સંપતિમાં રોજ ૧૨ ટકાના હિસાબથી વધારો થયો. જ્યારે દુનિયાભરમાં મોજુદ ગરીબ લોકોની સંપત્તિમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ રીપોર્ટ અનુસાર ભારતમાં ૧૩.૬ કરોડ લોકો કે જે દેશની જનસંખ્યાના ૧૦ ટકા ગરીબ છે તેઓ હજુ પણ દેવાદાર છે. દુનિયામાં લગભગ ૨૬ લોકો એવા છે જેમની પાસે ૩.૮ બીલીયન લોકોથી પણ વધુ સંપત્તિ છે. ગયા વર્ષે આ આંકડો ૪૪નો હતો. ઉદાહરણ તરીકે એમેઝોનના ફાઉન્ડર જેફ બીજોજ પાસે અત્યારે ૧૧૨ બિલીયન ડોલરની સંપત્તિ છે જે ઈથોપીયા જેવા દેશના કુલ હેલ્થ બજેટની બરાબર છે જ્યાં ૧૧૫ બીલીયનની જનસંખ્યા છે.

જો ભારતનું જોઈએ તો ૧૦ ટકા લોકો પાસે દેશની કુલ ૭૭.૪ ટકા સંપત્તિ છે. આમાંથી ૧ ટકા પાસે કુલ ૫૧.૫૩ ટકા સંપત્તિ છે. જ્યારે ૬૦ ટકા લોકો પાસે માત્ર ૪.૮ સંપત્તિ છે.

રીપોર્ટ અનુસાર ૨૦૧૮ થી ૨૦૨૨ વચ્ચે ભારતમાં રોજ ૭૦ શ્રીમંત વધશે. ૨૦૧૮માં ભારતમાં લગભગ ૯ નવા અબજપતિ બન્યા. દેશની તેની કુલ સંખ્યા હવે ૧૧૯ની થઈ છે કે જેમની પાસે ૨૮ લાખ કરોડની સંપત્તિ છે.

(10:27 am IST)