Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

શિવસેનાના સંજય રાઉતે કર્યા મોદીના વખાણ

મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણો?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની પીએમ મોદી સાથે મુલાકાત બાદ હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાનના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા છે : મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં નવી હલચલ જોવા મળવાની આશંકાઓ આ ઘટનાઓ પરથી વ્યકત કરવામાં આવી રહી છે

મુંબઈ,તા.૧૧:  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ દિલ્હીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાતને લઈને શિવસેના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે ગઇ કાલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને ભાજપના સૌથી મોટા નેતા છે. હકીકતમાં, રાઉતને પૂછવામાં આવ્યું હતું કે, મીડિયામાં અહેવાલ આવ્યા છે કે, આરએસએસ રાજયોની ચૂંટણીઓમાં રાજયના નેતાઓને ચહેરા તરીકે રજૂ કરવા પર વિચાર કરી રહ્યો છે. એવામાં શું તેમને લાગે છે કે, મોદીની લોકપ્રિયતા ઓછી થઈ છે?

આ સવાલ પર રાઉતે કહ્યું કે, 'હું તેના પર ટિપ્પણી નથી કરવા ઈચ્છતો... મેં મીડિયામાં આવેલા અહેવાલો જોયા નથી. આ અંગે કોઈ સત્ત્।ાવાર નિવેદન પણ નથી આવ્યું... ગત ૭ વર્ષમાં ભાજપની સફળતાનો શ્રેય મોદીને જાય છે. તે હાલ દેશ અને પોતાની પાર્ટીના સૌથી મોટા નેતા છે.' શિવસેનાના રાજય સભાના સભ્ય રાઉત હાલ ઉત્ત્।ર મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે જલગાંવમાં પત્રકારોને આ વાત કરી. તેમણે કહ્યું કે, શિવસેનાનું કાયમથી માનવું રહ્યું છે કે, વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે, કોઈ એક પાર્ટીના નહીં.

રાઉતે કહ્યું કે, વડાપ્રધાને ચૂંટણી અભિયાનમાં સામેલ ન થવું જોઈએ, કેમકે તેનાથી સરકારી મશીનરી પર દબાણ પડે છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે, જો મોદી ઈચ્છે તો તેમની પાર્ટી વાઘ (શિવસેનાનું ચૂંટણી ચિહ્રન) સાથે દોસ્તી કરી શખે છે. તેના પર રાઉતે કહ્યું કે, 'વાઘની સાથે કોઈ દોસ્તી નથી કરી શકતું. વાઘ જ નક્કી કરે છે કે તેને કોની સાથે દોસ્તી કરવી છે.'

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને વર્ષો સુધી સંયુકત રીતે રાજ કર્યું છે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં આ બંને વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું હતું. તે પછી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને રાજયમાં સરકાર બનાવી હતી. ત્યારથી શિવસેના અને ભાજપ વચ્ચે તણખા ઝરવાના શરૂ થયા હતા. જોકે, રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે શત્રુ નથી હોતો. એટલે, ભાજપ અને શિવસેના વચ્ચેની હાલની 'શત્રુતા' કયારે ફરી 'દોસ્તી'માં ફેરવાઈ જાય તે કહેવાય નહીં. પીએમ મોદી અને શિવસેનાના ચીફ ઉદ્ઘવ ઠાકરેની મુલાકાતે મહારાષ્ટ્ર ઉપરાંત દેશના રાજકારણમાં હાલ તો હલચલ ઊભી કરી દીધી છે.

(10:36 am IST)