Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રહેણાંક વિસ્તારોમાં વાઇનશોપ ખોલવાની પરવાનગી સામે જમ્મુમાં વિરોધ પ્રદર્શનો

મહિલાઓ અને બાળકો સહિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા

જમ્મુ,તા. ૧૦: રાજ્યની શિયાળુ રાજધાની જમ્મુના વિવિધ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં વાઇન શોપ ખોલવાના વિરોધમાં આજે પણ પ્રદર્શનો ચાલુ રહ્યા છે. નજરે જોનારાઓના કહેવા અનુસાર શહેરના શકિત નગર વિસ્તારમાં મહિલાઓ, બાળકો સહિત લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રશાસન સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વિરોધ કરનાર લોકોનું કહેવુ છે કે જે વાઇન શોપને પરવાનગી આપવામાં આવી છે તે એક રહેણાંક મકાનને અડીને આવેલી છે આ મકાનમાં ત્રણ પરિવારો રહે છે જેમાં મોટાભાગની મહિલાઓ છે. એક સ્થાનિક મહિલાએ કહ્યુ કે આ મકાનમાં અમે લગભગ  દસ મહિલાઓ રહીએ છીએ અને બાજુમાં જ આ નવી વાઇનશોપ ખુલવાની પરવાનગી અપાઇ છે અમે કોઇ પણ ભોગે તેને ખુલવા નહીં દઇએ. તેનાથી આખા વિસ્તારમાં ન્યુસન્સ ફેલાવાની સાથે જ મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો પણ ઉભા થઇ શકે છે.

આ પહેલા ગુજર નગરના રહિશોએ કોર્પોરેટર રીતુ ચૌધરી અને માજી કોર્પોરેટર રશીદા બેગમ સાથે રહેણાંક વિસ્તારમાં વાઇનશોપ ખોલવા બાબતે સરકાર સામે વિરોધ પ્રદર્શનો કર્યો હતા. આવી જ પરિસ્થિતી ચોક ચબૂતરા વિસ્તારમાં પણ ઉભી થઇ હતી. ત્યારે વિરોધ કરનારા લોકોનું કહેવુ હતુ કે રહેણાંક વિસ્તારમાં મંદિરની બાજુમાં જ વાઇનશોપ ખોલવાની પરવાનગી અપાઇ છે. તેમણે માંગણી કરી હતી કે લેફટેનન્ટ ગર્વનર આ બાબતોને ધ્યાનમાં લઇને સંબંધિત વિભાગોને વાઇનશોપ બિન રહેણાંક વિસ્તારોમાં લઇ જવાના આદેશો આપે.

(3:20 pm IST)