Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્યો : એન્ટીગુઆના ખોટી માહિતી આપી હોવાથી તેમની નાગરિકતા રદ કરશે

કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરશે

નવી દિલ્હી : ભાગેડુ જાહેર થયેલા મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ ખુલી રહ્યો જણાય છે. તે હાલ એન્ટિગુઆની કેદમાં છે. એન્ટિગુઆના માહિતી પ્રધાન મેલફોર્ડ નિકોલસે જણાવ્યું હતું કે મેહુલ ચોકસીએ અમારા દેશમાં નાગરિત્વ મેળવતી વખતે ખોટી માહિતી આપી હોવાથી તેમની નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મેહુલ ચોકસીએ આ પ્રક્રિયાને અદાલતમાં પડકારી છે. ચોકસીએ દાવો કર્યેા હતો કે તેની સામે આરોપ નથી. એન્ટિગુઆ જો નાગરિકતા રદ કરી દે તો તેને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ જાય એવી આશા છે.

આ અગાઉ ડોમિનિકાના વડા પ્રધાન ઝવેલ્ટ સ્કેરિટે પણ સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે મેહુલ ચોકસી ભારતીય નાગરિક છે અને અદાલત વહેલી તકે તેના ભાવિનો ફેંસલો કરશે. જોકે કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે મેહુલ ચોકસી સામે ભારતમાં જે કઈં છે તેમાં અમને રસ નથી. અમે આંતરરાષ્ટ્ર્રીય સમુદાયના સભ્ય છીએ અને અમારી જવાબદારીઓ સમજીએ છીએ. કાયદાની મર્યાદામાં રહીને જે યોગ્ય હોય તે નિર્ણય લેવામાં આવશે. દરમિયાન મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ બાર્બરાએ મેહુલ કયૂબા જવા માગતો હતો એ કબૂલાત કરતાં ભારતનો મેહુલ ચોકસી ભાગી છૂટવા માગતો હોવાનો ભારતનો દાવો મજબૂત બની ગયો છે.

ડોમિનિકા હાઈકોર્ટમાં ભાગેડુ હીરા-વ્યાપારી મેહુલ ચોકસીની જામીન અરજી અંગેની સુનાવણી કાલે થવાની છે. નીચલી કોર્ટે તેના જામીન ફગાવી દેતાં મેહુલ ચોકસીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્રારા કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં ચોકસીની ટીમ દ્રારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોપ્ર્સ અરજીની સુનાવણી પણ ચાલી રહી છે.

(11:44 am IST)