Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

SDM વિવાદમાં

યુપી : મંદિર પરિસરમાં ઉગેલા ઘઉંનો પાક વેંચવા માટે ગયેલા પુજારી પાસે ભગવાન શ્રીરામનું આધારકાર્ડ મંગાયું

લખનૌ,તા. ૧૦: ઉત્ત્।રપ્રદેશમાં રામ રાજય હોવાનું કહેવાય છે. રામ રાજયના આ રાજયમાં એવો અતરંગી બનાવ બન્યો છે કે, ભગવાન રામને ઓળખ આપવાની જરુર પડી છે. બાંદા જિલ્લામાં આવેલા રામ-જાનકી મંદિરના પૂજારીએ કથિત રીતે જીલ્લા પ્રશાસન પર ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવાનો આરોપ લગાવ્યો છે.

પૂજારીનો આરોપ છે કે, અતર્રા જીલ્લાના સબ ડિવિઝનલ ઓફિસર (એસડીએમ) સૌરભ શુકલાએ મંદિરના પરિસરમાં ઉગેલા ઘઉંના પાકને સરકારી વેચાણ કેન્દ્રમાં વેચવા માટે ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગ્યુ હતું. આધાર કાર્ડ ન દેખાડી શકવા પર ઈ-પોર્ટલ પરથી ઘઉંની ખરીદીનું વેરિફિકેશન રદ કરવામાં આવ્યું હોવાનો આરોપ એસડીએમ પર લગાવવામાં આવ્યો છે.

બાંદા જિલ્લાની અતર્રા તહસીલના ખુરહંડ ગામમાં ૪૦ વીઘા જમીનની રજિસ્ટ્રી રામ જાનકી મંદિરના નામે નોંધાયેલી છે. તેમાં પુજારી રામકુમાર દાસ સંરક્ષક તરીકે બધા જ કામ સંભાળે છે. પાક વેચીને જે પૈસા મળે છે તેમાંથી જ મંદિરના તમામ વાર્ષિક ખર્ચા પૂરા કરવામાં આવે છે. આ વર્ષે જયારે ખેતરમાં ઉગેલા ઘઉં વેચવાનો સમય આવ્યો ત્યારે આધાર કાર્ડનો પ્રશ્ન ઉભો થયો હતો. મંદિરના પરિસરમાં ઉગેલા ઘઉંના પાકને સરકારી વેચાણ કેન્દ્રમાં વેચવા માટે ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું હોવાનો પૂજારીનો આક્ષેપ છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આધાર કાર્ડ ન દેખાડી શકવા પર ઈ-પોર્ટલ પરથી ઘઉંની ખરીદીનું વેરિફિકેશન રદ કરવામાં આવ્યું છે. સાથે જ તેઓ એ વાતથી પણ પરેશાન છે કે, ભગવાના આધાર કાર્ડ પર ખેતરના માલિક એટલે કે ભગવાન શ્રી રામના ફિંગરપ્રિન્ટ કયાંથી લાવવા!

આ મુદ્દે સૌરભ શુકલાનું કહેવું છે કે, તેમણે સરકારની વેચાણ નીતિનો હવાલો આપીને સરકારી વેચાણ કેન્દ્રમાં પાક ખરીદવા સંબંધી અસમર્થતા દર્શાવી હતી. તેમાં ભગવાનનું આધાર કાર્ડ લાવવાની વાત કયાંથી આવી એ તો પુજારી જ કહી શકે. આ સાથે જ બની શકે આધાર કાર્ડની વાત તેમણે અન્ય સંદર્ભે કહી હોય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

સરકારની ડિજિટલ વેચાણ નીતિના કારણે સરકારી ખરીદ કેન્દ્રમાં ઘઉંનું વેચાણ ભલે સંભવ ન હોય પરંતુ તે માટે ભગવાન શ્રી રામનું આધાર કાર્ડ માંગવામાં આવે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(10:28 am IST)