Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મુંબઈમાં ૪ માળની બિલ્ડિંગ ધરાશાયી : ૧૧નાં મોત : ૮ ગંભીર

મલાડ વેસ્ટમાં ગઇકાલે રાત્રે ભારે વરસાદના કારણે ૪ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળમાં ફસાયા

મુંબઈ,તા.૧૦:  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસા ના આગમનની સાથે જ મોટી દુર્ઘટના બની છે. ગઇ કાલ રાત્રે ભારે વરસાદના કારણે લગભગ ૧૧ વાગ્યે મલાડ વેસ્ટ માં સ્થિત ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. સ્થાનિક લોકો અનુસાર તેની સાથે જ આસપાસની અન્ય બે બિલ્ડિંગ પણ પડી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત થઈ ચૂકયા છે. સાથોસાથ ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ, બચાવકર્મીઓએ કાટમાળમાંથી ૧૫ લોકોને બચાવ્યા છે. તેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. ઘટના બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ અને બીએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોને બચાવવા માટે ત્યાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીએમસીનું કહેવું છે કે દુર્ઘટના બાદ આસપાસની બિલ્ડિંગોને ખાલી કરાવી દેવામાં આવી છે. સાથોસાથ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, ડીસીપી ઝોન ૧૧ વિશાલ ઠાકુરનું કહેવું છે કે કાટમાળમાં વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. રેસ્કયૂ ટીમો તેમની શોધખોળમાં લાગી ગઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખનું કહેવું છે કે આ બિલ્ડિંગો ભારે વરસાદના કારણે પડી ગઈ છે. બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડવાની સાથોસાથ લોકોની તલાશમાં કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે.

(10:27 am IST)