Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોંગ્રેસના યુવા નેતાઓએ વધારી ચિંતા :જતીન પ્રસાદના ગયા બાદ મિલિન્દ દેવરાએ ગુજરાત સરકારની કામગીરી વખાણી

જિતિન પ્રસાદના ભાજપમાં સામેલ થયા બાદ સચિન પાયલટ હૈશ ટેગ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ : અનેક અટકળ

મુંબઈ: કોંગ્રેસ પાર્ટીમાં 20 વર્ષ વીતાવ્યા બાદ આખરે પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થઈ ગયા છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રહેલા જિતિન પ્રસાદને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના એક યુવા બ્રાહ્મણ નેતા માનવામાં આવતા હતા. પ્રસાદના ભાજપમાં ભળ્યા બાદ એક વખત ફરીથી કોંગ્રેસમાં અનેક યુવા નેતાઓની નારાજગી અને પક્ષ પલટાની અટકળો તેજ બની ગઈ છે. સચિન પાયલટ અને મિલિન્દ દેવરા આવા નેતાઓમાં સામેલ છે, જેમની નારાજગીની ચર્ચા અવારનવાર થતી રહે છે. એવામાં મિલિન્દ દેવરાએ ગુજરાત સરકારના કામકાજના વખાણ કરીને કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં હોટલ ઈન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વૉટર પાર્કને થયેલા આર્થિક નુક્સાનને જોતા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ગત એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ અને વીજળી બિલ માફ કરવાનો નિર્ણય લીધો છે. Congress leaders 

કોંગ્રેસ નેતા મિલિન્દ દેવરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ સમાચાર શેર કરતા ગુજરાત સરકારની પ્રશંસા કરી છે. દેવરાએ લખ્યું છે કે, બીજા રાજ્યોએ અનુસરવા જેવું યોગ્ય પગલું. જો આપણે ભારતના આતિથ્ય સેક્ટરમાં અને નોકરીઓમાં નુક્સાનને રોકવા માંગીએ છીએ, તો તમામ રાજ્યોએ તાત્કાલીક હસ્તક્ષેપ કરવો જોઈએ

 

બીજી તરફ મિલિન્દ દેવરાએ પોતાના પૂર્વ સહયોગી જિતિન પ્રસાદના ભાજપમાં જવા પર પ્રતિક્રિયા આપતા ટ્વીટર પર લખ્યું છે કે, મારું માનવું છે કે, કોંગ્રેસને પોતાની જૂની સ્થિતિ પરત મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. દેશની સૌથી મોટી પાર્ટી તરીકે તે આ કરી શકે છે અને કરવું પણ જોઈએ. આપણી પાસે હજુ પણ એવા નેતા છે, જેમને જો સશક્ત કરવામાં આવે અને ઉત્તમ રીતે ઉપયોગ કરવામાં આવે, તો સારુ પરિણામ આપી શકે છે. હું માત્ર એટલું જ ઈચ્છુ છું કે, કાશ મારા અનેક મિત્રો, સમ્માનિત સાથીઓ અને મૂલ્યવાન સહયોગીઓએ અમારો સાથ ના છોડ્યો હોત…

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, મિલિન્દ દેવરા, જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ ક્યારેક કોંગ્રેસની યુવા બ્રિગેડ મનાતા હતા અને રાહુલ ગાંધીના અત્યંત નિકટના સાથી મનાતા હતા. તેમણે કોંગ્રેસ શાસન દરમિયાન કેન્દ્ર સરકારમાં પણ કામ કર્યું હતું. સિંધિયા અને પ્રસાદ હવે ભાજપમાં છે, જ્યારે પાયલટ અને દેવરા કોંગ્રેસમાં અનેક મુદ્દાઓ પર નારાજ જોવા મળી રહ્યાં છે. આટલું જ નહીં, તેઓ અનેક વખત પાર્ટીમાં સુધારાની માંગ પણ કરી ચૂક્યાં છે.

જિતિન પ્રસાદના ભાજપમાં સામેલ થયા બાદ સચિન પાયલટ હૈશ ટેગ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સ સચિન પાયલટના આગામી પગલાને લઈને અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યાં છે.

જિતિન પ્રસાદ સચિન પાયલના ખાસ મિત્ર છે. આજે પ્રસાદના ભાજપમાં સામેલ થવા પર સચિન પાયલટે દુખ વ્યક્ત કર્યું છે. આજથી લગભગ 11 મહિના પહેલા સચિન પાયલટે જ્યારે બળવો પોકાર્યો હતો અને રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે જિતિન પ્રસાદે પણ આવી જ પ્રતિક્રિયા આપી હતી.

જિતિન પ્રસાદ એવા 23 નેતાઓમાં સામેલ હતા, જેમણે ગત વર્ષે કોંગ્રેસમાં સક્રિય નેતૃત્વ અને સંગઠનાત્મક ચૂંટણીની માંગને લઈને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો.

(12:00 am IST)