Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વોશિંગ્ટનમાં વેક્સિન લેનારને ફ્રીમાં ગાંજો આપવાની ઓફર

યુએસમાં વેક્સિન મૂકાવવા પ્રત્યે લોકોની ઉદાસિનતા : ઓફરનો લાભ લેવા માગતા હોય તેણે કેનેબિસ ડિસ્પેન્સરીના ઈન સ્ટોર કિલનિકમાં જઈ મુકાવવાની રહેશે

વોશિંગ્ટન, તા. ૯ : કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. જોકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સીન મુકવવા માંગતા નથી.

તેમને વેક્સીનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્ચર્ય થઈ શકે છે. મળતી જાણકારી પ્રમાણે અહીંયા ૨૧ વર્ષ કે તેથી વધુ વયના લોકો વેક્સીન લગાવશે તો તેમને ફ્રીમાં ગાંજો આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટનમાં ગાંજાને કાયદા પ્રમાણે માન્યતા આપવામાં આવી છે. તેને દવાતરીકે ઉપયોગમાં પણ લઈ શકાય છે. જે પણ વ્યક્તિ આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતી હોય તેણે કેનેબિસ ડિસ્પેન્સરીના ઈન સ્ટોર કિલનિકમાં જઈને રસી મુકાવવાની રહેશે. રસી મુકાયા બાદ લાભાર્થીને પ્રી રોલ્ડ જોઈન્ટ( અમેરિકામાં ગાંજાને જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે) આપવામાં આવશે. આ ઓફર ૧૨ જુલાઈ સુધી ઉપલબ્ધ રહેશે.

આ પહેલા અમેરિકામાં વેક્સીન લગાવનારાઓને એક ફ્રી ડ્રિક્ન, લોટરી જેવા જાત જાતના ઈનામો આપવાની અલગ અલગ રાજ્યોમાં જાહેરાત થઈ ચુકી છે. અમેરિકાની સરકારનુ ટાર્ગેટ છે કે, દેશની ૭૦ ટકા વસતીને ૪ જુલાઈ સુધીમાં વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ મુકવામાં આવે. હાલમાં અમેરિકામાં ૬૩ ટકા લોકોને વેક્સીનનો એક કે બે ડોઝ અપાઈ ચુકયો છે.

(12:00 am IST)