Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વેપારીઓ લોકડાઉનના વિરોધમાં રસ્તા પર ઊતર્યા

મહારાષ્ટ્રમાં ભાજપનું વેપારીઓને સમર્થન : મુંબઈ, ઠાણે, અમરાવતી, પૂણે, નાસિક, સાંગલીમાં નાના વેપારીઓની રસ્તા પર ઉતરીને નિયંત્રણોમાં છુટની માંગ

મુંબઇ, તા. ૭ : સમગ્ર મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ લોકડાઊનના વિરોધમાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે.વેપારીઓ રાજ્ય સરકારના લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ આ વેપારીઓનુ સમર્થન કરી રહી છે. ખાસ કરીને મુંબઈ, ઠાણે, અમરાવતી, પૂણે, નાસિક અને સાંગલીમાં નાના વેપારીઓએ રસ્તા પર ઉતરીને રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે, આકરા નિયંત્રણોમં છુટછાટ આપવામાં આવે.રાજ્યમાં એટલા આકરા નિયંત્રણો લાગુ કરાયા છે કે, એક રીતે લોકડાઉન જેવી જ સ્થિતિ છે.

દુકાનો બંધ કરાવાઈ રહી છે.જ્યારે સરકારે તો માત્ર શનિવાર અને રવિવારે લોકડાઊનની અને બાકીના દિવસોમાં રાત્રી કરફ્યુની જાહેરાત કરી હતી. પણ તંત્ર જે રીતે કાર્યવાહી કરી રહ્યુ છે તે જોતા તો વેપારીઓ સામે રોજી રોટીનુ સંકટ ઉભુ થઈ શકે છે.

મહારાષ્ટ્રની મહિલા બાળ વિકાસ મંત્રીએ પણ મુખ્યમંત્રી સમક્ષ અમરાવતી જિલ્લામાં પ્રતિબંધો હળવા કરવાની માંગ કરી છે. બીજી તરફ મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચરે રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે, જો ૮ એપ્રિલ સુધી લોકડાઉનનો નિર્ણય પાછો નહીં ખેંચાયો તો રાજ્યભરમાં દુકાનો ફરી શરુ કરાશે. મુંબઈમાં પણ કાંદીવલી વિસ્તારમાં રસ્તા પર ઉતરેલા વેપારીઓનુ કહેવુ હતુ કે, જે રીતે બસો, ઓટોરીક્ષા, ટેક્સી જેવી વાહન વ્યવહારની સુવિધાઓ ચાલુ રખાઈ છે તે જ રીતે દુકાનોને પણ ચાલુ રહેવા દેવામાં આવે. દરમિયાન નવી મુંબઈમાં અને ઠાણેના વસઈ વિરાર વિસ્તારમાં પણ વેપારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવ્યો હતો. કોલહાપુરમાં વેપારીઓના વિરોધને જોતા જિલ્લા સ્તરે લાગુ લોકડાઉનનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. ભાજપનુ કહેવુ છે કે, આઈપીએલ મેચનુ આયોજન થઈ રહ્યુ છે પણ નાના વેપારીઓની દુકાનો બંધ કરાવાઈ રહી છે. નાના વેપારીઓ પર આ અત્યાચાર નથી તો શું છે? વીક એન્ડ લોકડાઉનના નામે આખા સપ્તાહનુ લોકડાઊન લાગુ કરી દેવાયુ છે.

(8:14 pm IST)