Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

તામિલનાડુમાં સ્કૂટી પર EVM લવાતા પ્રોટોકોલ ભંગનો આરોપ

ઈવીએમની હેરાફેરીને લઈને વિવાદ યથાવત : બે ઈવીએમ-એક વીવીપીએટને ચાર લોકો સ્કુટી પર લઈ જતા હતા, તેમની પાસેથી ૧.૧૨ લાખ રોકડા પણ મળ્યા

પશ્ચિમ બંગાળ અને આસામ બાદ હવે તામિલનાડુમાં પણ ઈવીએમની હેરાફેરીને લઈને વિવાદ થયો છે. મળતી વિગતો પ્રમાણે તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટેનુ વોટિંગ પૂરૂ થયા બાદ સ્કૂટી પર ઈવીએમ લઈ જવાઈ રહ્યા હતા. જેના પગલે ડીએમકે અને કોંગ્રેસે ચૂંટણી પ્રોટોકોલનો ભંગ થયો હોવાનો આરોપ લગાવ્યો છે. બે ઈવીએમ મશિન અને એક વીવીપીએટને ચાર લોકો ટુ વ્હીલર પર લઈ જઈ રહ્યા હતા અને તેમની પાસેથી ૧.૧૨ લાખ રુપિયા રોકડા પણ મળ્યા હતા. દરમિયાન રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહૂએ કહ્યુ હતુ કે, સ્કૂટી સવાર કોર્પોરેશનના જ કર્મચારીઓ હતા અને તેઓ જે ઈવીએમ લઈ જઈ રહ્યા હતા તે મતદાન માટે ઉપયોગમાં લેવાનુ નહોતુ. જોકે આ બે કર્મચારીઓએ ભૂલ કરી છે અને તેની તપાસનો આદેશ અપાયો છે.

એક ફૂડ ડિલિવરી કરનાર યુવાને સ્કૂટી પર ઈવીએમ લઈ જવાતા જોયા હતા અને તેના કારણે મામલો સામે આવ્યો હતો. આ વાતની જાણકારી મળ્યા બાદ ડીએમકે અને કોંગ્રેસના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ઈવીએમ સાથે ગરબડ થવાની હતી પણ તે પહેલા લોકોએ જોઈ લીધુ હતુ. જેના કારણે તેઓ  ઈવીએમ સાથે ચેડા કરી શખ્યા નહોતા.

(8:04 pm IST)